લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (સીટી)નો પદગ્રહણ સમારોહ યોજાયો, લાયન કુલદીપસિંહ ચુડાસમાએ પ્રમુખ તરીકે શપથ લીધા

ભાવનગર: લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (સીટી) અને લિયો ક્લબ ઓફ ભાવનગર સિટીના વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ તાજેતરમાં તા. 28 જૂનના રોજ ભાવનગર ખાતે પી.એન.આર. સોસાયટીના નટરાજ હોલમાં યોજાયો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં લાયન્સ ક્લબના સભ્યો તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં નવા પ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતની ટીમે સેવાના શપથ લીધા હતા.

સમારોહ દરમિયાન લાયન કુલદીપસિંહ ચુડાસમાએ પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે લાયન નિલેશ દવેને મંત્રી અને લાયન દિલીપ ત્રિવેદીને ખજાનચી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

લાયન કુલદીપસિંહ ચુડાસમા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેમના દ્વારા સંચાલિત નમો લોક સેવા કેન્દ્ર ભાવનગર સહિત ગુજરાતમાં યુવાનો માટે ઉપયોગી સેવા કેન્દ્ર તરીકે જાણીતી સંસ્થા છે. તેઓ અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સતત જોડાયેલા રહે છે.

પ્રમુખ તરીકે શપથ લીધા બાદ લાયન કુલદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આગામી વર્ષ દરમિયાન ખંત અને મહેનત સાથે સમાજના ઉત્થાન માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે અને લાયન્સ ક્લબના કાર્યક્રમોને વધુ અસરકારક તથા સમાજ ઉપયોગી બનાવવામાં આવશે.

આ પદગ્રહણ સમારોહમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે લાયન હાર્દિક મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન મહેશ દવે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE