મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: જનજીવન અસ્તવ્યસ્ત, વૃક્ષ પડતાં બાળકનું મોત

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જ્યારે અંધેરી પશ્ચિમમાં મેટ્રો સ્ટેશન નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં બસ સહિત અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે.

ભારે વરસાદના કારણે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. અનેક વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું હતું.

વરસાદ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનામાં શાળાની વાન પર વિશાળ વૃક્ષ તૂટી પડતાં એક બાળકનું મોત થયું હતું, જ્યારે પાંચ બાળકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસાના પવનો સક્રિય બનતાં ઉત્તર ભારતમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળશે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE