મહીસાગરમાં મગરના હુમલામાં ઘાયલ વ્યક્તિનો 108 ટીમે બચાવ્યો જીવ

મહીસાગર: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામના ટોકીયા ફળિયા નજીક આવેલા તળાવમાં મગરના હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, કોઠંબા 108 એમ્બ્યુલન્સની સમયસરની કામગીરી અને તાત્કાલિક સારવારના કારણે દર્દીનો જીવ બચાવી શકાયો હતો.

મળતી માહિતી મુજબ, તા. 30 જૂન, 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યે તળાવમાં મગરે એક વ્યક્તિ પર હુમલો કરતાં તેના જમણા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને ભારે રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. પરિવારજનોએ તરત જ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો.

બપોરે 3:35 કલાકે કોલ મળતાની સાથે જ કોઠંબા સ્થિત 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) યોગેશ પગી અને પાયલોટ જયેન્દ્રસિંહ સોલંકીએ દર્દીની પ્રાથમિક તપાસ કરી તાત્કાલિક ઘા પર દબાણ આપી રક્તસ્ત્રાવ નિયંત્રિત કર્યો તેમજ દર્દીના તમામ જરૂરી વાઇટલ્સ ચકાસ્યા.

ત્યારબાદ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ERCP ફિઝિશિયન ડૉ. રીચીની ઓન-કોલ સલાહ મુજબ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના પ્રોટોકોલ અનુસાર દર્દીને જરૂરી ઇન્જેક્શન અને IV ફ્લુઈડ આપી ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

પ્રાથમિક સારવાર બાદ દર્દીને વધુ સારવાર માટે તાત્કાલિક કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 108 ટીમની ઝડપી કામગીરી અને કુશળ સારવારના કારણે દર્દીનો જીવ બચાવી શકાયો હોવાનું જણાવાયું છે.

દર્દીના પરિવારજનોએ EMT યોગેશ પગી, પાયલોટ જયેન્દ્રસિંહ સોલંકી તેમજ 108 ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના “આરોગ્ય સેવા પરમો ધર્મ”ના અભિગમને સાકાર કરતી કોઠંબા 108 ટીમની કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE