રાજકોટ: મતદાન મથકે ભાવુક દ્રશ્યો; વિજયભાઈના નિધન બાદ અંજલીબેને પ્રથમવાર એકલા વોટિંગ કર્યું, પૂર્વ CMને યાદ કરી રડી પડ્યા

ગુજરાતમાં આજે 15 મહાનગરપાલિકાઓ માટે મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં પણ લોકશાહીના આ પર્વમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહની વચ્ચે આજે રાજકોટમાં એક અત્યંત ભાવુક ક્ષણ પણ જોવા મળી હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધન બાદ આજે પ્રથમવાર યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમના પત્ની અંજલીબેન રૂપાણી એકલા મતદાન કરવા પહોંચ્યા હતા.

“સાહેબ વગર બધું અધૂરું છે…”: અંજલીબેન રૂપાણી

રાજકોટના અનિલ જ્ઞાનમંદિર મતદાન મથકે મતદાન કર્યા બાદ જ્યારે અંજલીબેન રૂપાણી મીડિયા સમક્ષ આવ્યા, ત્યારે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.લગ્ન પછીના દાયકાઓના સફરમાં આ પ્રથમ એવી ચૂંટણી હતી. જેમાં તેઓ વિજયભાઈ વગર મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ ડૂસકું ભરતા જણાવ્યું હતું કે:

સાહેબ વગર આજે બધું જ અધૂરું લાગે છે. લગ્ન પછીના આટલા વર્ષોમાં આ પહેલીવાર છે જ્યારે હું એકલી મતદાન કરવા આવી છું. જોકે, મને ચોક્કસ ખાતરી છે કે સાહેબ આજે પણ મારી સાથે જ છે. જો તેઓ આજે હોત, તો તેઓ પણ સૌને આ જ અપીલ કરત કે લોકશાહીને મજબૂત કરવા માટે દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે.”

વિમાન દુર્ઘટનામાં થયું હતું વિજય રૂપાણીનું નિધન

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમદાવાદમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં રાજ્યના લોકપ્રિય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું હતું. તેમના નિધન બાદ રાજકોટમાં યોજાઈ રહેલી આ પ્રથમ મોટી ચૂંટણી છે. વિજયભાઈની ખોટ માત્ર તેમના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર રાજકોટ અને ગુજરાતના રાજકારણને પણ વર્તાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE