CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તેજ: રાજ્યસભામાં વિપક્ષના 73 સાંસદોએ નવી નોટિસ આપી

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે વિપક્ષે ફરી એકવાર મોરચો ખોલ્યો છે. શુક્રવારે રાજ્યસભાના આશરે 73 વિપક્ષી સાંસદોએ તેમની વિરુદ્ધ નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોની ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ લેવામાં આવ્યું છે.

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણનને મોકલવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, ‘આ નવી નોટિસ એક અલગ અને તાજેતરમાં સામે આવેલા આધાર પર આપવામાં આવી છે.’

આ પણ વાંચો :

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: DNA ટેસ્ટમાં પિતા સાબિત ન થાય તો ભરણપોષણ આપવું પડશે નહીં

‘તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવે’

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘આ નોટિસ 15 માર્ચ 2026 પછી જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અને ક્ષતિઓ પૂરતી મર્યાદિત છે, જે ગંભીર સ્તરના ગેરવર્તણૂકને દર્શાવે છે.’ વિપક્ષી સાંસદોએ માંગ કરી છે કે, આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવે, જેમાં સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયિક સભ્યોનો સમાવેશ થાય. આ સમિતિ પોતાનો રિપોર્ટ રાજ્યસભાના અધ્યક્ષને સોંપે. સાંસદોએ એવી પણ માંગ કરી છે કે, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જ્ઞાનેશ કુમાર ચૂંટણી સંબંધિત તમામ કાર્યોથી પોતાને અલગ રાખે.

પહેલા પણ લાવવામાં આવ્યો હતો પ્રસ્તાવ

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 12 માર્ચે 63 રાજ્યસભા સાંસદો અને 130 લોકસભા સાંસદોએ પણ જ્ઞાનેશ કુમારને હટાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જોકે, 6 એપ્રિલે રાજ્યસભાના અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પુરાવાઓના અભાવે આ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા.

‘ચૂંટણી પંચે પક્ષપાતી વલણ અપનાવ્યું’

નવા પ્રસ્તાવમાં સાંસદોએ જ્ઞાનેશ કુમાર પર આરોપ લગાવ્યો છે કે, તેમણે ‘આચારસંહિતા લાગુ કરવામાં સતત પક્ષપાતી વલણ અપનાવ્યું છે.’ સાંસદોએ 18 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 29 મિનિટના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો.જેનું દુરદર્શન, સંસદ ટીવી અને આકાશવાણી પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. પત્રમાં આરોપ છે કે, આ ભાષણ તે જ દિવસે તમિલનાડુના કોઈમ્બતુરની ચૂંટણી રેલીમાં આપવામાં આવેલા ભાષણ જેવું જ હતું.

પત્ર મુજબ, ‘વડાપ્રધાને કોંગ્રેસ, DMK, તૃણમૂલ કોંગ્રેસ અને સપાનું નામ લઈને ટીકા કરી હતી. અને તેમને બંધારણ (131મો સુધારો) બિલ, 2026 ના કિસ્સામાં ‘ભ્રૂણ હત્યા’ જેવો ગુનો કરનારા ગણાવ્યા હતા. સાથે જ તેમણે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કેરળના મતદારોને આ પક્ષો વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી.’ આ 4 રાજ્યોમાંથી કેરળમાં તે સમયે મતદાન પૂર્ણ થઈ ગયું હતું.જ્યારે અન્ય રાજ્યોમાં મતદાન બાકી હતું.

ફરિયાદો પર કાર્યવાહી ન કરવાનો આરોપ

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યસભા સાંસદ મનોજ કુમાર ઝા, પી. સંતોષ કુમાર અને એમ.એ. બેબીએ 19 એપ્રિલે મુખ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી હતી. આ ઉપરાંત 20 એપ્રિલે 700 નાગરિકોએ પણ આવેદનપત્ર આપ્યું હતું. સાંસદોએ આરોપ લગાવ્યો કે, ‘આ નોટિસની તારીખ સુધી જ્ઞાનેશ કુમારે ન તો કોઈ કારણદર્શક નોટિસ જાહેર કરી, ન તો કોઈ સલાહ આપી કે ન તો કોઈ જાહેર પ્રતિક્રિયા આપી.’

‘કોંગ્રેસ સામેની ફરિયાદો પર ઝડપી એક્શન’

પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘તેનાથી વિપરીત, જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં પંચે ભાજપ દ્વારા વિપક્ષી નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસ વિરુદ્ધ આપવામાં આવેલી ફરિયાદો પર ઝડપી કાર્યવાહી કરી. આ બેવડા ધોરણોનું ઉદાહરણ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE