પેટ્રોલ બચાવવાની દેશી ટિપ્સ કે વિજ્ઞાન? કારમાં AC ચલાવવું સસ્તું પડે કે બારી ખોલવી? જાણી લો આ ‘સ્પીડ’નું ગણિત!

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાર ચલાવતી વખતે દરેક ડ્રાઈવરના મનમાં એક સવાલ ચોક્કસ થાય છે: એસી ચલાવવું કે બારીઓ ખુલ્લી રાખવી? મોટાભાગના લોકો એમ માને છે કે, એસી બંધ રાખવાથી હંમેશા પેટ્રોલ બચે છે. પરંતુ સત્ય કંઈક અલગ છે. ખરેખર તો ઈંધણની બચત તમારી ગાડીની ઝડપ અને રસ્તાની સ્થિતિ પર આધાર રાખે છે.

ઝડપ મુજબ બદલાય છે ગણિત

ગાડીની ઝડપ ઈંધણની બચતમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ધીમી ગતિએ ગાડી ચલાવી રહ્યા હોવ તો બારીઓ ખોલવી ફાયદાકારક છે.પરંતુ હાઈવે પર તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  • શહેરમાં ડ્રાઈવિંગ (ધીમી ઝડપ): જ્યારે તમારી ગાડી શહેરના ટ્રાફિકમાં 40-45 કિમી/કલાક કે તેથી ઓછી ઝડપે ચાલતી હોય, ત્યારે બારીઓ ખુલ્લી રાખવી વધુ સારું છે. આ ગતિએ હવાનું દબાણ (Air Drag) ઓછું હોય છે.જેથી એન્જિન પર બહુ ભાર પડતો નથી.

  • હાઈવે પર ડ્રાઈવિંગ (ઝડપી ગતિ): જ્યારે ગાડીની સ્પીડ 50-60 કિમી/કલાક થી વધી જાય, ત્યારે બારીઓ ખુલ્લી રાખવાથી હવાનો પ્રવાહ અવરોધાય છે. તેને કારણે ગાડી પર પાછળની તરફ ખેંચાણ (Drag) વધે છે અને એન્જિનને વધારે મહેનત કરવી પડે છે. આવા સમયે એસી (AC) ઓન રાખવું એ વધુ સમજદારીભર્યું છે.

એસી (AC) ચલાવવાથી માઇલેજ પર કેટલી અસર પડે?

કારનું એસી સીધું એન્જિન સાથે જોડાયેલું હોય છે અને તેને ચલાવવા માટે 3 થી 7 હોર્સપાવર જેટલી ઉર્જા વપરાય છે.

  • ભારે ગરમીમાં એસી વાપરવાથી ઈંધણનો વપરાશ વધી શકે છે અને માઇલેજમાં 10% થી 25% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

એરોડાયનામિક્સનું વિજ્ઞાન

બારીઓ ખોલવાથી એન્જિન પર સીધો ભાર નથી પડતો, પરંતુ ગાડીની હવામાં કાપવાની ક્ષમતા (Aerodynamics) બગડે છે. તેજ સ્પીડમાં ખુલ્લી બારીઓ ‘પેરાશૂટ’ જેવું કામ કરે છે.જે ગાડીને પાછળ ખેંચે છે અને અંતે પેટ્રોલનો વપરાશ વધે છે.

ક્યારે શું કરવું?

  • શહેરના ટ્રાફિકમાં: સ્પીડ ઓછી હોય અને વારંવાર થોભવું પડતું હોય ત્યાં બારી ખુલ્લી રાખવાથી પેટ્રોલ બચે છે.

  • હાઈવે પર: લાંબા અંતરની મુસાફરીમાં અને તેજ સ્પીડમાં એસીનો વપરાશ જ વધુ કિફાયતી (માઇલેજ ફ્રેન્ડલી) રહે છે.

સામાન્ય રીતે એસી અને ખુલ્લી બારી વચ્ચે માઇલેજમાં માત્ર 1-2 કિમી/લીટર નો તફાવત હોય છે. પરંતુ જો તમે સમજી-વિચારીને આ વિકલ્પો પસંદ કરો તો લાંબા ગાળે ઈંધણના ખર્ચમાં મોટી બચત થઈ શકે છે.

Leave a Comment

READ MORE

READ MORE