ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આરોગ્ય વિભાગ દ્વારા ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ જાહેર, હોસ્પિટલોમાં ‘સ્પેશિયલ હીટ રૂમ’ સજ્જ

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. ત્યારે નાગરિકોને હીટસ્ટ્રોક અને ગરમીની જીવલેણ અસરોથી બચાવવા માટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે. 1 માર્ચ, 2026થી જ ‘ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ’ (IHIP) દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું સઘન મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી મુજબ ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ અમલી બનાવી દેવાયો છે.જેથી કોઈપણ કટોકટીની સ્થિતિને ત્વરિત પહોંચી વળાય.

હોસ્પિટલોમાં સમર્પિત સુવિધાઓ અને દવાઓનો સંગ્રહ ગરમીના કારણે બીમાર પડતા દર્દીઓની તાત્કાલિક સારવાર માટે રાજ્યની દરેક સરકારી હોસ્પિટલમાં ‘સ્પેશિયલ હીટ રૂમ’ તૈયાર કરવાના આદેશ અપાયા છે. આ અંતર્ગત જિલ્લા હોસ્પિટલોમાં 5 બેડ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC)માં 2 બેડ માત્ર હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર જરૂરી દવાઓ, IV ફ્લુઈડ્સ, ORS અને આઈસ પેકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે, જેથી સારવારમાં કોઈ વિલંબ ન થાય.

નાગરિકો માટે સુરક્ષા કવચ: શું કરવું અને શું ન કરવું?

આરોગ્ય વિભાગે નાગરિકોને બપોરે 12:00 થી 4:00 વાગ્યાના ગાળામાં બિનજરૂરી બહાર ન નીકળવા ખાસ વિનંતી કરી છે. જો બહાર જવું અનિવાર્ય હોય, તો આખા શરીરને ઢાંકે તેવા હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને માથા પર ટોપી કે ભીનો રૂમાલ રાખવો હિતાવહ છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પ્રમાણમાં શુદ્ધ પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણીનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

જોખમી લક્ષણો અને ત્વરિત તબીબી સહાય તીવ્ર ગરમીમાં જો કોઈ વ્યક્તિને અતિશય તરસ લાગે, ચક્કર આવે, માથામાં અસહ્ય દુખાવો થાય અથવા બેભાન જેવી અવસ્થા જણાય, તો તેને હીટસ્ટ્રોકના સંકેત ગણી તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. ખાસ કરીને બાળકો, વડીલો અને સગર્ભા મહિલાઓની આ ઋતુમાં વિશેષ કાળજી લેવી જરૂરી છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ગરમી સામે ઓછી પ્રતિરોધક હોઈ શકે છે.

સ્ટાફ ટ્રેનિંગ અને સેફ્ટી ઓડિટ પર ભાર માત્ર સારવાર જ નહીં, પરંતુ હોસ્પિટલોની આંતરિક સુરક્ષા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ગરમીમાં એસી અને કૂલરના વધતા વપરાશને કારણે ઇલેક્ટ્રિક લોડ વધતો હોવાથી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિક લોડ ઓડિટ કરવાના કડક આદેશ અપાયા છે. સાથે જ, તમામ આરોગ્ય કર્મીઓને હીટસ્ટ્રોકની સારવાર માટે વિશેષ તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે.જેથી શૂન્ય બેદરકારી સાથે લોકોના જીવ બચાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE