શેરબજારની બે દિવસની તેજી પર બ્રેક! સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉથલ્યો, નિફ્ટી 22850ની નીચે સરક્યો

છેલ્લા બે દિવસની જબરદસ્ત તેજી બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં અચાનક મોટું ગાબડું જોવા મળ્યું હતું..બજાર ખુલ્યા બાદ ધીમે-ધીમે વેચવાલીનું દબાણ વધતા રોકાણકારોને મોટો ફટકો પડ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ આશરે 1,690 પોઈન્ટ તૂટીને 73,583 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 486 પોઈન્ટ ગગડીને 22,819 પર આવી ગયો હતો. આ કડાકાએ બજારના સેન્ટિમેન્ટને પૂરી રીતે બદલી નાખ્યું છે.

1. તમામ સેક્ટરમાં લાલચોળ ઘટાડો

શુક્રવારે લગભગ તમામ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી:

  • PSU બેંક અને રિયલ્ટી: આ સેક્ટરમાં સૌથી વધુ 3% થી વધુનો ઘટાડો નોંધાયો હતો.

  • અન્ય સેક્ટર્સ: ઓટો, પ્રાઈવેટ બેંક, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં પણ આશરે 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો.

  • મિડકેપ અને સ્મોલકેપ: નાના અને મધ્યમ કદના શેરોમાં પણ નબળાઈ રહી, જેમાં મિડકેપ ઈન્ડેક્સ 2% અને સ્મોલકેપ 1.7% તૂટ્યો હતો.

2. પ્રોફિટ બુકિંગ બન્યું મુખ્ય કારણ

બજારના નિષ્ણાતોના મતે, છેલ્લા બે દિવસમાં બજારમાં આશરે 3.5% ની તેજી આવી હતી. આ ઉછાળા બાદ રોકાણકારોએ નફો વસૂલવાનું (Profit Booking) શરૂ કર્યું હતું.જેની અસર સમગ્ર બજાર પર પડી અને મોટા શેરોમાં ભારે ઘટાડો થયો.

3. વૈશ્વિક સંકેતોએ વધાર્યું દબાણ

  • ભૌગોલિક તણાવ: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને અમેરિકા-ઈરાન વચ્ચેની અનિશ્ચિતતાએ બજારને પ્રભાવિત કર્યું છે.

  • આંતરરાષ્ટ્રીય બજાર: વૈશ્વિક બજારોમાં નબળાઈ અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.

4. ક્રૂડ ઓઈલના વધતા ભાવની ચિંતા

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમત $100 પ્રતિ બેરલ થી ઉપર પહોંચી ગઈ છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે. મોંઘું તેલ મોંઘવારી વધારી શકે છે. જેની સીધી અસર કંપનીઓના નફા પર પડે છે.આ જ કારણ છે કે,રોકાણકારો અત્યારે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

ભવિષ્યમાં બજારની ચાલ કેવી રહેશે?

માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, બજારમાં હજુ પણ ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. જો વૈશ્વિક પરિસ્થિતિ સુધરે અને કાચા તેલની કિંમતોમાં ઘટાડો થાય, તો જ બજારમાં ફરીથી તેજી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE