ઊના: ગીર સોમનાથ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતાં ઊના એસટી ડેપોના કંડકટરને રૂ.2,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઘટનાથી એસટી વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઝડપાયેલા કંડકટરની ઓળખ મનીષ મગનલાલ કાનાબાર તરીકે થઈ છે. ફરિયાદી બસ મારફતે માછલીના પાર્સલ મોકલતો હતો, જેના બદલામાં કંડકટરે દરેક પાર્સલ દીઠ રૂ.100ના હિસાબે લાંચની માંગણી કરી હતી. લાંચની કુલ રકમ રૂ.2,000 નક્કી થયા બાદ ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે ગીર સોમનાથ ACBની ટીમે ઊના-દેલવાડા રોડ પર આવેલા સિટી બસ સ્ટેશન નજીક આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવ્યો હતો. ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ અધિકારીઓએ કંડકટર મનીષ કાનાબારને રંગેહાથ ઝડપી લીધો હતો.
ACBએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આ પ્રકારની ગેરરીતિમાં અન્ય કોઈ કર્મચારી અથવા વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.











