ગીરના જંગલમાં એશિયાટિક સિંહો માટે અત્યંત ઘાતક ગણાતા ‘બેબેસિયા’ રોગચાળાના સંકેતો મળતા જ વન વિભાગ યુદ્ધના ધોરણે એક્શન મોડમાં આવી ગયું છે. જંગલમાં વસતા આશરે 900 જેટલા સિંહોને આ જીવલેણ સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે વન વિભાગે મોટા પાયે મોનિટરિંગ અને સારવારની કામગીરી શરૂ કરી છે. આ ગંભીર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે.
સિંહોના સ્વાસ્થ્ય પર ચોવીસેય કલાક ચાંપતી નજર રાખવા માટે વન વિભાગના 300 જેટલા અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમો મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમો જંગલના કાચા રસ્તાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને સિંહોની હિલચાલ અને તેમની શારીરિક સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે. જંગલની કુલ 16 રેન્જમાં સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સંક્રમણની સૌથી વધુ આશંકા ધરાવતી જામવાળા, જસાધાર અને બાબરીયા રેન્જ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…
આ વ્યાપક તપાસ અભિયાન દરમિયાન સંક્રમણના પ્રાથમિક લક્ષણો ધરાવતા અથવા અશક્ત દેખાતા આશરે 15 જેટલા સિંહોને વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ કર્યા છે. આ તમામ સિંહોને આઇસોલેટ કરીને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં વન્યજીવ તબીબોની વિશેષ દેખરેખ હેઠળ તેમની સઘન સારવાર ચાલી રહી છે. નિષ્ણાતોના મતે, ઓછી રોગપ્રતિકારક શક્તિના કારણે આ રોગ ખાસ કરીને સિંહબાળો માટે વધુ જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી, વનકર્મીઓ સિંહોના અલગ-અલગ ગ્રૂપ (પ્રાઇડ) પાડીને સિંહબાળોનું વિશેષ ટ્રેકિંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે 8 વર્ષ પૂર્વે (વર્ષ 2018માં) ગીરના જંગલમાં આ જ બેબેસિયાના કારણે ભારે હાહાકાર મચ્યો હતો અને ટૂંકા ગાળામાં 23 જેટલા સિંહોના કરુણ મોત નીપજ્યા હતા. તે સમયે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે સિંહોને બચાવવા માટે અમેરિકાથી ખાસ વેક્સિન અને તબીબી સહાય મંગાવવાની ફરજ પડી હતી. ભૂતકાળના આ કડવા અનુભવમાંથી પાઠ લઈને, વન વિભાગ આ વખતે કોઈ પણ પ્રકારની ઢીલાશ મૂકવા માંગતું નથી અને વહેલી તકે આ રોગચાળાને જંગલમાં ફેલાતો અટકાવવા માટે તમામ તાકાત લગાવી રહ્યું છે.
Post Views: 36











