ગુજરાતના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોની ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એલર્ટ પર છે.ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી સુરક્ષા ટીમોએ કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો મસમોટો જથ્થો જપ્ત કર્યો છે. ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છના દરિયાઈ માર્ગેથી દેશવિરોધી તત્વો દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો આ વધુ એક મોટો પ્લાન સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે.
આ પણ વાંચો…
અમેરિકામાં કૌટુંબિક ઝઘડાએ લીધો નિર્દોષ ગુજરાતી મહિલાનો જીવ: ત્રણ લોકોના કરુણ મોતથી અરેરાટી
પ્રાથમિક અહેવાલો અનુસાર, ગુજરાત ATSને એક અત્યંત ગુપ્ત અને ચોક્કસ બાતમી મળી હતી કે યૂરોપથી આવી રહેલા એક મોટા જહાજમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે એજન્સીઓએ દરિયાઈ વિસ્તારમાં કડક વોચ ગોઠવી દીધી હતી. જ્યારે આ ડ્રગ્સનો જથ્થો જહાજમાંથી સ્થાનિક પોર્ટ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.ત્યારે જ એટીએસ અને એસઓજીની ટીમોએ સંયુક્ત દરોડો પાડીને તેને આંતરી લીધો હતો. આ સમગ્ર સ્મગલિંગ નેટવર્ક પાછળ પાકિસ્તાની કનેક્શન હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.જે અંગે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત ₹200 કરોડથી લઈને ₹500 કરોડ સુધીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ડ્રગ્સ કયા દેશમાંથી મોકલવામાં આવ્યું હતું, તેના અસલી આકાઓ કોણ છે અને ભારતમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશનને કારણે ડ્રગ માફિયાઓના આંતરરાષ્ટ્રીય નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.
નોંધનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છના જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ પરથી પણ ચરસના 11 બિનવારસુ પેકેટો મળી આવ્યા હતા. બીએસએફની ટીમ જ્યારે દરિયાઈ વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગ પર હતી ત્યારે આ શંકાસ્પદ પેકેટો ઝડપાયા હતા. આમ, વારંવાર મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવવું અથવા સ્મગલિંગના પ્રયાસો થવા એ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો પડકાર બની ગયો છે.
કચ્છની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ, લાંબો અને અવાવરુ દરિયાકાંઠો તેમજ ખાડી (ક્રીક) વિસ્તાર સ્મગલરો માટે ડ્રગ્સ ઘુસાડવાના મુખ્ય કેન્દ્રો બની રહ્યા છે. પાકિસ્તાન સરહદની નજીક હોવાને કારણે દેશવિરોધી તત્વો વારંવાર આ માર્ગનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે. જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે. જોકે, ગુજરાત પોલીસ, ATS અને કેન્દ્રીય એજન્સીઓની સતત સતર્કતા અને મજબૂત જાસૂસી નેટવર્કને કારણે દર વખતે ડ્રગ માફિયાઓના મનસૂબાઓ ધૂળમાં મળી રહ્યા છે.
Post Views: 49











