રાજ્યભરમાં ઉનાળાનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે માણાવદર શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે નાગરિકોને ઠંડક આપવા માટે એક સરાહનીય સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. શહેરની જાણીતી સામાજિક સંસ્થાઓ ‘અનસુયા ગૌધામ’ અને ‘લાયન્સ ક્લબ’ના સંયુક્ત ઉપક્રમે આજથી ત્રણ દિવસ માટે વિનામૂલ્યે છાશ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સેવા પ્રવૃત્તિ અંતર્ગત માણાવદરના મુખ્ય એવા શાકમાર્કેટ ચોક ખાતે ખાસ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં આગામી ત્રણ દિવસ સુધી સ્થાનિક રાહદારીઓ, શ્રમિકો અને વાહનચાલકોને ગરમીથી રાહત આપવા માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે. ઉનાળાના આકરા તડકામાં લોકોની તરસ છીપાવવા માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
આ આયોજનની મુખ્ય વિશેષતા એ છે કે લોકોને બજારુ નહીં, પરંતુ ગીર ગાયના દૂધમાંથી બનેલી શુદ્ધ અને પૌષ્ટિક છાશ પીવડાવવામાં આવી રહી છે. આયુર્વેદમાં ગીર ગાયની છાશને અમૃત સમાન ગણાવી છે.જે ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે બંને સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજક સંસ્થાઓ દ્વારા માણાવદરની જનતાને વિનંતી કરવામાં આવી છે કે, આ આકરા ઉનાળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ વિનામૂલ્યે ગીર ગાયની છાશનો મહત્તમ લાભ લેવો.
અહેવાલ: જીજ્ઞેશ પટેલ,માણાવદર
Post Views: 39













