રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી, વાલીઓએ સ્કૂલ વેકેશન લંબાવવાની કરી માંગ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સૂર્યનારાયણએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મે મહિનાના અંતિમ દિવસોમાં જ ગરમીનો પારો સતત ઊંચો રહેતા સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બનતા જોવા મળે છે અને લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે નાના બાળકો થી લઈને યુવાઓ, વૃદ્ધો અને મોટેરાઓ સુધી દરેક વર્ગના લોકો તોબા તોબા પોકારી ગયા છે. આવી પરિસ્થિતિમાં આગામી 8 જૂનથી શાળાઓ શરૂ કરવાની જાહેરાતને લઈને વાલીઓમાં ચિંતા વધી રહી છે. વાલીઓનું કહેવું છે કે, જૂન મહિનામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે.ત્યારે માસૂમ બાળકોને આકાશી આફત સમાન ગરમી વચ્ચે સ્કૂલમાં મોકલવું જોખમી સાબિત થઈ શકે છે.

વાલીઓએ શિક્ષણ વિભાગ સમક્ષ ભાવનાત્મક અપીલ કરી છે કે, હાલ સ્કૂલ યુનિફોર્મ, ફી કે ભાડા વધારાની ચર્ચા બાજુ પર મૂકી બાળકોના આરોગ્ય અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. ક્લાસરૂમમાં પૂરતી ઠંડક અને સુવિધાઓના અભાવે નાના ભૂલકાઓ ગરમીમાં કેવી રીતે અભ્યાસ કરશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લૂ જેવી પરિસ્થિતિ સર્જાતા લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. ડોક્ટરો પણ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે વાલીઓ દ્વારા સ્કૂલોના વેકેશનમાં વધારો કરવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે.

Leave a Comment

READ MORE

READ MORE