બેંગલુરુ-દિલ્હી ફ્લાઈટમાં ‘ફુલ ઈમરજન્સી’: પાયલટને એન્જિનમાં આગ દેખાતા તમામ મુસાફરોના શ્વાસ અધ્ધર

દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર એ સમયે દોડધામ મચી ગઈ જ્યારે બેંગલુરુથી આવી રહેલા એર ઈન્ડિયાના એક પેસેન્જર વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ‘ફુલ ઈમરજન્સી’ જાહેર કરવી પડી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કટોકટીની સ્થિતિ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 2802 (બેંગલુરુથી દિલ્હી) સાથે સર્જાઈ હતી. જોકે, રાહતની વાત એ રહી કે વિમાનને દિલ્હી એરપોર્ટના રનવે નંબર 29R પર સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું છે અને તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ઘટના બાદ એરસાઇડ ઓપરેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (ODM)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિમાનની તપાસ હાથ ધરી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં વિમાનમાં આગ લાગી હોય તેવી કોઈ સ્થિતિ સામે આવી નથી.

એવિએશન સૂત્રોના જણાવ્યા અનુસાર, હવામાં ઉડાન દરમિયાન વિમાનના પાયલટે અચાનક એન્જિનમાં આગ લાગ્યાનો એલર્ટ જાહેર કર્યો હતો અને એટીસી (ATC) પાસે તાત્કાલિક લેન્ડિંગની મંજૂરી માંગી હતી. આ માહિતી મળતાં જ એરપોર્ટ પ્રશાસન હાઈ એલર્ટ પર આવી ગયું હતું અને રનવે નજીક ફાયર ફાઈટર તેમજ ઈમરજન્સી ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ખામીની આશંકાના કારણે વિમાનને રનવે પરથી હટાવીને સ્ટેન્ડ સુધી લઈ જવા માટે ટોઈંગ (બીજા વાહન વડે ખેંચવું) કરવું પડ્યું હતું. સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને વિમાનને રનવે પર જ રોકવામાં આવ્યું હતું અને સંપૂર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાની દિલ્હી એરપોર્ટની સામાન્ય કામગીરી પર કોઈ અસર પડી નથી અને ફ્લાઈટ્સની અવરજવર રાબેતા મુજબ ચાલુ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE