રાજકોટ: પડધરીના ખાખડાબેલા ગામે થયેલી યુવરાજસિંહ જાડેજાની સનસનાટીભરી હત્યાના મામલામાં રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. રેન્જ આઈજીએ પડધરીના તત્કાલીન PI એસ.એન.પરમાર, હાલ IUCAW માં ફરજ બજાવતા PI એચ.એન.રાઠોડ, PSI જે.જે.વાળા અને D-સ્ટાફના ASI ભગીરથસિંહ માનસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું છે સમગ્ર ઘટના?
પડધરીના ખાખડાબેલા ગામે રહેતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝીંગનો વ્યવસાય કરતા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ. 40) નામના યુવાનની બુધવારે રાત્રે ખાખડાબેલા ગામ નજીક રોડ પર તેમની હેરિયર કાર પાસે છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબી અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બે વર્ષથી ફરાર આરોપીઓએ જ ખાર રાખી હત્યા કરી
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મૃતક યુવરાજસિંહે વર્ષ ૨૦૨૪ માં પડધરી પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા અને અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનામાં આરોપી અજયસિંહ હાલ જેલમાં છે. જ્યારે મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા.
આ બંને ફરાર આરોપીઓ અવારનવાર યુવરાજસિંહને આ કેસમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરતા હતા અને ધમકીઓ આપતા હતા. પરંતુ યુવરાજસિંહ સમાધાન માટે તૈયાર ન થતાં, તેનો ખાર રાખીને આરોપીઓએ બુધવારે રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી યુવરાજસિંહની હત્યા નીપજાવી હતી.
પોલીસની ગંભીર નિષ્ક્રિયતા સામે આવી
દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ બે વર્ષથી ખુલ્લેઆમ બહાર ફરતા હોવા છતાં જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને પકડવાની કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. જો પોલીસે સમયસર આ નાસતા-ફરતા આરોપીઓને જેલભેગા કર્યા હોત, તો કદાચિત યુવરાજસિંહની હત્યાની આ ઘટના ન બની હોત. પોલીસની આ આક્ષેપજનક બેદરકારી અને શિથિલતા સામે આવતા જ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે ચારેય પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનનું આકરું શસ્ત્ર ઉગામ્યું છે.
ગુજરાત પોલીસમાં કદાચિત આવી પહેલી ઘટના: PI પરમાર ‘રિ-સસ્પેન્ડ’
આ સસ્પેન્શનમાં સૌથી આશ્ચર્યજનક બાબત પડધરીના તત્કાલીન પીઆઇ એસ.એન. પરમારની સામેલગીરી છે. તાજેતરમાં જ લોધીકા પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શનનો ગાળો ચાલુ હોવા છતાં, ખાખડાબેલા હત્યા કેસમાં પણ તેમની જૂની ગંભીર બેદરકારી સામે આવતા તેમને ફરીથી સસ્પેન્ડ (રિ-સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. કોઈ અધિકારી ચાલુ સસ્પેન્શને ફરીથી સસ્પેન્ડ થયા હોય તેવી ગુજરાત પોલીસના ઇતિહાસમાં આ કદાચિત પ્રથમ ઘટના છે.
હત્યારાઓને દબોચી લેવા પોલીસની વિવિધ ટીમો મેદાને
યુવરાજસિંહ જાડેજાની હત્યાના ગુનામાં નામચીન આરોપી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા અને અન્ય ત્રણ અજાણ્યા શખસો સામેલ છે. આ તમામ હત્યારાઓને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય LCB પીઆઇ જે.પી. રાવ અને SOG પીઆઇ એફ.એ. પારગીની રાહબરી હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Post Views: 0











