મધરાત્રે માધવ હોમ્સ સામે કેમેરામાં કેદ થયો શંકાસ્પદ દીપડો; વન વિભાગે વિસ્તાર કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું
અમદાવાદ: શહેરમાં ઘુમા વિસ્તારમાં દીપડાની હિલચાલ બાદ હવે ચાંદખેડા નજીક એસ.પી. રિંગ રોડ પર પણ દીપડો જોવા મળ્યાનો દાવો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઝુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ નજીક આવેલા માધવ હોમ્સ સામે મધરાત્રે આશરે 2 વાગ્યે શંકાસ્પદ દીપડો જોવા મળ્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નજીકના એક કેફેના સંચાલકે રસ્તા પર ફરતા દીપડાને જોઈ તેનો ફોટો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. ત્યારબાદ તેણે વિલંબ કર્યા વગર વન વિભાગને જાણ કરતાં અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.
વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ખુલ્લા પ્લોટ, ઝાડીઓ અને સંભવિત માર્ગો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી દીપડાની હાજરી અંગે ચોક્કસ માહિતી મેળવી શકાય.
દીપડો દેખાયાની ચર્ચા ફેલાતાં સ્થાનિકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને કોઈ જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે.
વન વિભાગ હાલ ફોટોગ્રાફ અને અન્ય પુરાવાની ચકાસણી કરી રહ્યું છે. દીપડાની હાજરી અંગે સત્તાવાર પુષ્ટિ માટે તપાસ ચાલુ રાખવામાં આવી છે.










