હવે આવશે 10 કિલોનું કોમર્શિયલ LPG સિલિન્ડર: નાના વેપારીઓ અને ભાડુઆતોને મળશે મોટી રાહત

નવી દિલ્હી: નાના વેપારીઓ, ચાની કીટલી સંચાલકો, ઢાબા-કેફે, ફૂડ સ્ટોલ ચલાવતા લોકો તેમજ ભાડાના મકાનમાં રહેતા અને અન્ય શહેરોમાં રોજગાર માટે રહેતા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર 10 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે, જેથી ગેસનો ઉપયોગ વધુ સરળ અને અનુકૂળ બની શકે.

મળતી માહિતી મુજબ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ નવી યોજના પર કામ કરી રહી છે. સરકારની અંતિમ મંજૂરી મળ્યા બાદ 10 કિલોના કોમર્શિયલ સિલિન્ડર ગેસ એજન્સીઓ ઉપરાંત અધિકૃત રિટેલ આઉટલેટ્સ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ નવી સુવિધાનો સૌથી વધુ લાભ નાના ધંધાર્થીઓ, ચા-નાસ્તાના વેપારીઓ, ફૂડ સ્ટોલ સંચાલકો, સ્થળાંતરિત મજૂરો અને ભાડાના મકાનમાં રહેતા લોકોને મળશે. હાલમાં ઉપલબ્ધ 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર કદમાં મોટો અને વજનદાર હોવાથી દરેક માટે અનુકૂળ નથી. આવી સ્થિતિમાં 10 કિલોનો સિલિન્ડર વધુ સરળ, હળવો અને ઉપયોગી વિકલ્પ બનશે.

સરકાર દ્વારા હાલ આ નવા સિલિન્ડરની કિંમત જાહેર કરવામાં આવી નથી. મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની સત્તાવાર કિંમત, ઉપલબ્ધતા અને અમલીકરણની તારીખ અંગે જાહેરાત કરવામાં આવશે. નવી યોજના અમલમાં આવ્યા બાદ લાખો નાના વેપારીઓ અને ગ્રાહકોને સીધો લાભ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE