નેપાળની રાજધાની કાઠમંડુથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાનના લેન્ડિંગ દરમિયાન તેના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આ અકસ્માત સર્જાયો, તે સમયે વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 289 લોકો સવાર હતા.
શું છે સમગ્ર મામલો?
કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ટર્કિશ એરલાઈન્સના એક વિમાનના ટાયરમાં આગ લાગી હતી. જોકે, રાહતની વાત એ રહી કે સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આગને સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી છે.
એસપીનું સત્તાવાર નિવેદન
એરપોર્ટ સુરક્ષા બાબતોના એસપીએ રાજકુમાર સિલાવાલે સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ TK 726 ઈસ્તંબુલથી કાઠમંડુ આવી રહી હતી. લેન્ડિંગ સમયે તેના ટાયરમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરોની મદદથી આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.”
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આ વિમાનમાં કુલ ૨૭૮ મુસાફરો અને ૧૧ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કેટલાક અધિકારીઓ પણ સામેલ હતા. સદનસીબે તમામ લોકો સુરક્ષિત છે અને તેમને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિમાન દુર્ઘટનાઓના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આથી જ હવે એરપોર્ટ સ્ટાફ આવી સંવેદનશીલ બાબતોને લઈને સતત એલર્ટ મોડમાં રહે છે. જરા સરખી બેદરકારી સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે.તેથી હવાઈ મુસાફરી દરમિયાન સાવચેતી અત્યંત અનિવાર્ય છે.
Post Views: 0











