શેરબજારમાં રક્તપાત: સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવને ફગાવી દેતા મધ્ય-પૂર્વમાં ભૌગોલિક તણાવ વધ્યો છે.જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ નકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેરબજાર માટે આજની સવાર ‘બ્લેક મોર્નિંગ’ સાબિત થઈ છે. ટ્રેડિંગની શરૂઆતની મિનિટોમાં જ BSE સેન્સેક્સ 830 પોઈન્ટ અથવા 1.07% ઘટીને 76,497 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પણ લગભગ 240 પોઈન્ટના ઘટાડા સાથે 23,936 ના સ્તરે પહોંચી ગયો હતો.

આ કડાકાને કારણે રોકાણકારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. માત્ર 5 સેકન્ડમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં ₹3.37 લાખ કરોડનું ધોવાણ થયું છે. માર્કેટ ડેટા મુજબ, 8 મે 2026ના રોજ માર્કેટ કેપ ₹4,73,10,919 કરોડ હતી. જે વેચાણના દબાણને કારણે ઘટીને ₹4,69,73,145 કરોડ થઈ ગઈ છે. સ્મોલકેપથી લઈને મિડકેપ સુધીના તમામ ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં 2% થી 3% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક પરિદ્રશ્યની વાત કરીએ તો, અમેરિકન બજારોમાં શુક્રવારે નાસ્ડેક અને ડાઉ જોન્સમાં મજબૂતી જોવા મળી હતી. પરંતુ એશિયન બજારોમાં ક્રૂડના વધતા ભાવે ડરનો માહોલ પેદા કર્યો છે.જાપાન અને હોંગકોંગના બજારોમાં નબળાઈ જોવા મળી છે. જોકે દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ અપવાદરૂપે 5% વધીને નવી ઊંચાઈએ પહોંચ્યો છે. હાલમાં ભારતીય બજારમાં બેંકિંગ અને એનર્જી સેક્ટર સહિતના તમામ મહત્વના ક્ષેત્રો ભારે વેચાણના દબાણ હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE