ટાટા ટ્રસ્ટની મહત્વની બેઠક ટળી: હવે 16 મેના રોજ લેવાશે મોટા નિર્ણયો; વાઇસ-ચેરમેન પદ અને બોર્ડમાં ફેરબદલ પર સસ્પેન્સ

ટાટા ગ્રુપની સૌથી શક્તિશાળી સંસ્થાઓ ગણાતા સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટની આજે 8 મેના રોજ યોજાનારી મહત્વની બેઠક છેલ્લી ઘડીએ સ્થગિત કરવામાં આવતા કોર્પોરેટ વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. નિર્ધારિત સમય મુજબ સવારે 9 વાગ્યે જ્યારે વેણુ શ્રીનિવાસન સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાઈ ચૂક્યા હતા, ત્યારે જ આઈટી એડમિનિસ્ટ્રેટર દ્વારા બેઠક પાછી ઠેલવામાં આવી હોવાનો સંદેશ મળ્યો હતો. ટાટા ટ્રસ્ટ્સના સીઈઓ સિદ્ધાર્થ શર્માએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે હવે આ નિર્ણાયક બેઠક 16 મેના રોજ યોજાશે.જોકે આ વિલંબ પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો…

1400 કરોડનું બજેટ પણ કમાણી માત્ર 6 કરોડ! આ છે વિશ્વની સૌથી મોટી FLOP ફિલ્મ; શું તમે જોઈ?

આ બેઠક ટાટા ગ્રુપના ભવિષ્ય માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે કારણ કે તેમાં ટાટા સન્સના બોર્ડમાં મોટા ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતા છે. ચર્ચા મુજબ, વેણુ શ્રીનિવાસનની વિદાય થઈ શકે છે અને તેમના સ્થાને ટાઇટનના પૂર્વ એમડી ભાસ્કર ભટને ટ્રસ્ટના નોમિની ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, ગ્રુપના ગવર્નન્સ માળખાને વધુ આધુનિક બનાવવા માટે ‘વાઇસ-ચેરમેન’ના પદની સમીક્ષા કરી તેને નાબૂદ કરવા અંગે પણ મંથન ચાલી રહ્યું છે.જે વહીવટી દ્રષ્ટિએ મોટો ફેરફાર સાબિત થશે.

બીજી તરફ, ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના આર્ટિકલ 121A હેઠળની સત્તાઓ અને તેના કાર્યક્ષેત્રને લઈને ટ્રસ્ટના સભ્યોમાં ઊંડા મતભેદો હોવાનું સપાટી પર આવ્યું છે. આ બેઠકમાં ટાટા સન્સના વર્તમાન ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળ અને તેમની ભાવિ યોજનાઓ પર પણ ગંભીર ચર્ચાઓ થવાની ધારણા છે. સાથે જ, ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવી કે નહીં તે બાબતે પણ ટ્રસ્ટના સભ્યો વચ્ચે અલગ-અલગ અભિપ્રાયો હોવાથી આ મુદ્દો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ટાટા ટ્રસ્ટ્સમાં આંતરિક ખેંચતાણ અને નીતિ વિષયક મુદ્દાઓ પર ગજગ્રાહ ચાલી રહ્યો છે, ખાસ કરીને કેટલીક ગ્રુપ કંપનીઓના પ્રદર્શન અને બોર્ડમાં પ્રતિનિધિત્વને લઈને અસંતોષ જોવા મળ્યો છે. બેઠકની તારીખમાં વારંવાર થયેલા ફેરફાર સૂચવે છે કે મહત્વના નિર્ણયો લેતા પહેલા તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ સાધવા માટે વધારાના સમયની જરૂર પડી રહી છે. હવે તમામની નજર 16 મે પર ટકેલી છે. કારણ કે તે દિવસે લેવાનારા નિર્ણયો ટાટા સામ્રાજ્યની આગામી દિશા અને દશા નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE