જૂનાગઢની સેવાભાવી સંસ્થા ‘માતુશ્રી મણીબેન લા. દવે નૂતન અભિગમ ટ્રસ્ટ’ની થેલેસેમિયા જાગૃતિ માટેની યાદગાર કામગીરી

વર્ષ ૧૯૯૪માં જૂનાગઢ ખાતે સમાજમાં પ્રચલિત અવસાન પછીના કુરીવાજો દૂર કરવાની ભાવના સાથે માતુશ્રી મણીબેન લાભશંકર દવેના પુત્રોએ અનોખી પહેલ કરી હતી. અનંત ધર્માલય ખાતે હવેલીના મહારાજશ્રી કિશોરચંદ્ર બાવાશ્રી, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, પ્રો. કે.વી. ઓઝા તથા ઉદ્યોગપતિ વી.એ. ઓઝાની ઉપસ્થિતિમાં સમાજજનો વચ્ચે માતુશ્રી મણીબેનની રૌપ્ય તુલા કરવામાં આવી હતી. તેમાં પ્રાપ્ત થયેલી રકમમાં વધારાનો ફાળો ઉમેરી રૂ. ૫૧,૦૦૦નું દાન ‘માતુશ્રી મણીબેન લાભશંકર દવે નૂતન અભિગમ ટ્રસ્ટ’ને અર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે ટ્રસ્ટના ખજાનચી તરીકે પ્રસિદ્ધ કવિ મનોજ ખંડેરિયા કાર્યરત હતા.

ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે શશીકાંતભાઈ દવે, ઉપપ્રમુખ તરીકે ડો. જી.કે. ગજેરા, મંત્રી તરીકે નરેન્દ્ર દવે અને ખજાનચી તરીકે મનોજભાઈ ખંડેરિયાએ જવાબદારી સંભાળી હતી. ઉપરાંત પૂર્વ કાનૂનમંત્રી દિવ્યકાંતભાઈ નાણાવટી, રિલાયન્સ ગ્રુપના રમણીકભાઈ અંબાણી, ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન ડો. જે.સી.એન. જોશીપુરા, ડબલ્યુ.એચ.ઓ.ના ડો. યુ.કે. શેઠ સહિતના અગ્રણીઓ ટ્રસ્ટી તરીકે જોડાયા હતા.

આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં વધતા થેલેસેમિયા-મેજર રોગ અંગે જાગૃતિ લાવવા માટે વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અનેક થેલેસેમિયા નિદાન કેમ્પો યોજાયા, નિષ્ણાતોના વ્યાખ્યાનો યોજાયા અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પોસ્ટર અભિયાન દ્વારા યુવાધનને સમજણ આપવામાં આવી હતી.

થેલેસેમિયાના મુખ્યત્વે બે પ્રકાર હોય છે – થેલેસેમિયા માયનોર અને થેલેસેમિયા મેજર. થેલેસેમિયા માયનોર ધરાવતી વ્યક્તિ સામાન્ય રીતે સંપૂર્ણ તંદુરસ્ત હોય છે. ઉદાહરણરૂપે મહાનાયક અમિતાભ બચ્ચન થેલેસેમિયા માયનોર વાહક હોવાનું કહેવાય છે, જ્યારે જયાબચ્ચન વાહક નથી, તેથી તેમના સંતાનો સ્વસ્થ છે. પરંતુ જ્યારે બે થેલેસેમિયા માયનોર વાહકો અજાણતા લગ્નબંધનમાં જોડાય છે, ત્યારે તેમને થેલેસેમિયા મેજર બાળક જન્મવાની શક્યતા રહે છે.

આ જાગૃતિને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં અવિવાહિત યુવક-યુવતીઓ માટે લોહી પરીક્ષણ કેમ્પો યોજવામાં આવતા હતા. પરીક્ષણ બાદ સર્ટિફિકેટ આપવામાં આવતું અને જો કોઈ વ્યક્તિ થેલેસેમિયા માયનોર વાહક જણાતી, તો લગ્ન પહેલાં જરૂરી સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવતું હતું. ટ્રસ્ટનો એક લોકજાગૃતિસભર સંદેશ ખૂબ લોકપ્રિય બન્યો હતો :

“લગ્ન સમયે કુંડળી ન મેળવો તો ચાલશે, પરંતુ થેલેસેમિયા સર્ટિફિકેટ જરૂર મેળવો.”

થેલેસેમિયા મેજરથી પીડિત બાળકોને જન્મથી જ દર ૧૫થી ૨૦ દિવસે લોહી ચડાવવાની જરૂર પડે છે. તેમનું આયુષ્ય મર્યાદિત હોય છે અને સારવાર અત્યંત ખર્ચાળ બને છે. આવા બાળકોના વાલીઓને લોહી મેળવવા તથા સારવાર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને એસ.ટી. બસ અને રેલવે મુસાફરીમાં સહાય આપવામાં આવતી હતી. બાદમાં એસ.ટી. વિભાગ તથા રેલવે તંત્ર સમક્ષ રજૂઆત કરીને થેલેસેમિયા પીડિત બાળકોના વાલીઓને મુસાફરીમાં રાહત મળે તે માટે પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા.

સરકાર સમક્ષ સતત રજૂઆતોના પરિણામે આજે કોલેજ સ્તરે થેલેસેમિયા ચકાસણી અભિયાન ચલાવવામાં આવે છે, જે સમાજમાં વધતી જાગૃતિનું પરિણામ છે.

ટ્રસ્ટની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ૧ મે, ૧૯૯૭ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા સમારંભમાં રાજ્યપાલશ્રીએ ટ્રસ્ટના પ્રમુખ શશીકાંતભાઈ દવેને એવોર્ડ અને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ માતુશ્રી મણીબેન લાભશંકર દવેનું પણ ફૂલહારથી સન્માન કર્યું હતું. આ પ્રસંગ ટ્રસ્ટ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો.

વર્ષો સુધી સમાજસેવામાં સક્રિય રહેલા ટ્રસ્ટના પ્રમુખ શશીકાંતભાઈ દવેની ઉંમર આશરે ૯૦ વર્ષ થવાથી ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સંકેલવાનો નિર્ણય લેવાયો હતો. ટ્રસ્ટની જમા રકમમાંથી રૂ. ૨ લાખ ડો. જી.કે. ગજેરાની નવજીવન બ્લડ બેંક અને ગજેરા પેથોલોજી લેબોરેટરીને આપવામાં આવ્યા, જેથી તેના વ્યાજમાંથી અવિવાહિત યુવક-યુવતીઓના નિઃશુલ્ક લોહી પરીક્ષણ, વ્યાખ્યાન અને જાગૃતિ કેમ્પો યોજી શકાય.

તે ઉપરાંત રૂ. ૧ લાખનું શરતી દાન જૂનાગઢની હાટકેશ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. શરત એવી રાખવામાં આવી હતી કે દર વર્ષે ૮મી મે – વિશ્વ થેલેસેમિયા ડે નિમિત્તે નિઃશુલ્ક લોહી પરીક્ષણ કેમ્પ યોજી થેલેસેમિયા માયનોરની તપાસ કરવામાં આવે અને આ જાગૃતિ અભિયાન સતત ચાલુ રાખવામાં આવે.

આ રીતે ‘માતુશ્રી મણીબેન લાભશંકર દવે નૂતન અભિગમ ટ્રસ્ટ’ ભલે સંસ્થાકીય રીતે સંકેલાઈ ગઈ હોય, પરંતુ તેની સેવાભાવી ભાવના અને સમાજજાગૃતિનું કાર્ય આજે પણ જીવંત છે, તેવી માહિતી ટ્રસ્ટના મંત્રી અને ટ્રસ્ટી નરેન્દ્ર દવે દ્વારા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE