‘સરકે ચુનર’ વિવાદ: સંજય દત્ત મહિલા આયોગ સમક્ષ હાજર થયા, લેખિતમાં માફી માંગી અને 50 છોકરીઓનો ભણતરનો ખર્ચ ઉપાડશે

કન્નડ પેન-ઇન્ડિયા ફિલ્મ સરકે ચુનર તેરી સરકે નું હિન્દી વર્ઝન ભલે યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું હોય, પરંતુ તેને લઈને શરૂ થયેલો વિવાદ હજુ શમ્યો નથી. આ ગીત રિલીઝ થયા બાદ થયેલા હોબાળાને પગલે રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) મેકર્સ અને તેમાં કામ કરનારા કલાકારોને નોટિસ પાઠવી હતી.

સોમવારે અભિનેતા સંજય દત્ત ગીતમાં મહિલાઓના કથિત અશ્લીલ અને અભદ્ર ચિત્રણ અંગે અધ્યક્ષ શ્રીમતી વિજયા રહાટકરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. તેમણે આયોગ સમક્ષ લેખિતમાં માફી પત્ર રજૂ કર્યો હતો.જેમાં અજાણતા સમાજની લાગણી દુભાવવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને સર્જનાત્મક કન્ટેન્ટમાં મહિલાઓના જવાબદાર નિરૂપણના મહત્વનો સ્વીકાર કર્યો હતો.

આ પણ વાંચો :

PM મોદીએ પશ્ચિમ બંગાળની જનતાને પત્ર લખ્યો: “હવે ભરોસો જોઈએ, હવે ભાજપ જોઈએ”

 

50 આદિવાસી બાળાઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવશે સંજય દત્ત

કાર્યવાહી દરમિયાન આયોગે કલાકારની જાણકારી, ઈરાદા અને જવાબદારીના મુદ્દાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અધ્યક્ષે ભાર મૂક્યો હતો કે શું આવા કન્ટેન્ટમાં ભાગ લેતા પહેલા કલાકારે પૂરતી તપાસ કરી હતી? આ ગીતને અશ્લીલતા અને મહિલાઓના વસ્તુકરણ (Objectification) ને પ્રોત્સાહન આપવા તરીકે જોવામાં આવ્યું હતું. આયોગે નોંધ્યું કે વરિષ્ઠ અને પ્રભાવશાળી જાહેર હસ્તીઓની એ જવાબદારી છે કે તેમનું કાર્ય કાયદાકીય અને સામાજિક મર્યાદામાં રહે.

ભૂલ સુધારવાના પગલા રૂપે, સંજય દત્તે સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણમાં યોગદાન આપવા માટે 50 આદિવાસી બાળાઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

નોરા ફતેહી હાજર ન રહી

સંજય દત્તે આયોગને ખાતરી આપી હતી કે હવેથી તેમના તમામ કલાકાર કરારો (Contracts) માં ફરજિયાત કાયદાકીય તપાસની જોગવાઈઓ સામેલ કરવામાં આવશે, જેથી ફિલ્મો અને પ્રોજેક્ટ્સમાં મહિલાઓ અને બાળકોનું ગરિમાપૂર્ણ ચિત્રણ સુનિશ્ચિત કરી શકાય. બીજી તરફ, અભિનેત્રી નોરા ફતેહી ને પણ હાજર રહેવા જણાવાયું હતું, પરંતુ તે દેશની બહાર હોવાથી હાજર રહી શકી નહોતી. તેણે આયોગ પાસે બીજી તારીખની માંગણી કરી છે.

6 એપ્રિલે થઈ હતી સુનાવણી

આ પહેલા 6 એપ્રિલે અન્ય જવાબદારોએ આયોગ સમક્ષ હાજર થઈને માફી માંગી હતી. જેમાં દિગ્દર્શક કિરણ કુમાર ઉર્ફે પ્રેમ, ગીતકાર રકીબ આલમ અને KVN પ્રોડક્શન કંપનીનો સમાવેશ થાય છે. NCW એ સ્પષ્ટ કર્યું હતું કે કલાત્મક સ્વતંત્રતા મહત્વની છે, પરંતુ તેનો ઉપયોગ જવાબદારી, સંવેદનશીલતા અને મહિલાઓની ગરિમાના સન્માન સાથે થવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE