નવ્ય ભારતની રફ્તાર: PM મોદીએ ₹12,000 કરોડના દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (14 એપ્રિલ, 2026) દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરતા દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું ભવ્ય લોકાર્પણ કર્યું છે. આ ₹12,000 કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દિલ્હી અને દેહરાદૂન વચ્ચેના મુસાફરીના સમયને 6 કલાકથી ઘટાડીને માત્ર 2 થી 2.5 કલાક કરી દેશે. આ 213 કિમી લાંબો ‘એક્સેસ-કંટ્રોલ્ડ’ કોરિડોર ઉત્તર પ્રદેશના બાગપત, બરોત, શામલી અને સહારનપુર જેવા શહેરોને જોડવા ઉપરાંત દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કટરા જેવા મોટા રાષ્ટ્રીય કોરિડોર સાથે પણ સંકલિત થશે.

પ્રકૃતિ અને આધુનિકતાનો સમન્વય: આ એક્સપ્રેસવેની સૌથી મોટી વિશેષતા તેની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા છે.રાજાજી નેશનલ પાર્કના ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી પસાર થતા આ માર્ગ પર એશિયાનો સૌથી લાંબો 12 કિમીનો એલિવેટેડ વાઈલ્ડલાઈફ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. વન્યજીવોના મુક્ત વિચરણ માટે 200 મીટર લાંબા બે હાથી અંડરપાસ અને આઠ એનિમલ પાસ બનાવવામાં આવ્યા છે.જેથી કુદરતી આવાસને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસ સાધી શકાય.

ઉત્તરાખંડના વિકાસનો નવો સૂર્યોદય: વડાપ્રધાને આ પ્રોજેક્ટને ‘ટ્રાન્સફોર્મેટિવ’ ગણાવતા કહ્યું કે, “આ માત્ર રસ્તો નથી, પરંતુ વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ માટે નવા દ્વાર છે.” તેમણે ભાર મૂક્યો કે વર્ષ 2014 પહેલા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ₹2 લાખ કરોડથી ઓછો હતો. જે હવે વધીને ₹12 લાખ કરોડ થયો છે. એકલા ઉત્તરાખંડમાં જ અત્યારે ₹2.25 લાખ કરોડના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ કનેક્ટિવિટીથી ખેડૂતોને મોટા બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને હોટલ, ટેક્સી તેમજ સ્થાનિક અર્થતંત્રને જોરદાર બૂસ્ટ મળશે.

આગામી પ્રોજેક્ટ્સ અને કનેક્ટિવિટીનું માળખું: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલા અન્ય મહત્વના પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી:

  • દિલ્હી-હરિદ્વાર બાયપાસ: ₹2,300 કરોડના ખર્ચે બની રહેલો આ ફોર-લેન ગ્રીનફિલ્ડ કોરિડોર ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ થશે.

  • રોપવે પ્રોજેક્ટ્સ: સોનપ્રયાગ-કેદારનાથ (12.9 કિમી) અને ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબ (12.4 કિમી) રોપવેનું કામ પ્રગતિમાં છે. કેદારનાથની મુસાફરી હવે માત્ર 30 મિનિટમાં શક્ય બનશે.

  • કૈલાશ માનસરોવર કનેક્ટિવિટી: તનકપુરથી લિપુલેખ પાસ સુધીના 370 કિમીના પ્રોજેક્ટમાં 200 કિમીનું કામ પૂર્ણ થઈ ગયું છે.

  • બાયપાસ પ્રોજેક્ટ્સ: રુદ્રપ્રયાગ અને કાશીપુર ખાતેના બાયપાસ પણ 2026ના અંત સુધીમાં તૈયાર થઈ જશે.

વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ દાયકો ઉત્તરાખંડનો દાયકો સાબિત થશે.જે પ્રવાસન અને આર્થિક સમૃદ્ધિના નવા શિખરો સર કરશે.

Leave a Comment

READ MORE

READ MORE