રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો: AAPએ રાજ્યસભામાં ઉપનેતા પદેથી હટાવ્યા, અશોક મિત્તલને સોંપી જવાબદારી

આમ આદમી પાર્ટી (AAP) એ રાઘવ ચઢ્ઢાને ખૂબ મોટો આંચકો આપ્યો છે. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને તેમને ગૃહમાં પાર્ટીના ઉપનેતા (ડેપ્યુટી લીડર) પદેથી હટાવવા જણાવ્યું છે. આ સાથે જ તેમને AAPના ક્વોટામાંથી બોલવાનો સમય ન આપવા માટે પણ વિનંતી કરી છે. AAPએ સચિવાલયને વિનંતી કરી છે કે, હવે ઉચ્ચ સદનમાં પાર્ટીના ઉપનેતા તરીકે અશોક મિત્તલની નિમણૂક કરવામાં આવે. એટલે કે હવે પંજાબના રાજ્યસભા સાંસદ ડૉ.અશોક મિત્તલ રાજ્યસભામાં AAPના નવા ડેપ્યુટી લીડર હશે.

પાર્ટીની પ્રવૃત્તિઓથી અંતર અને મૌન ધારણ કરવું બન્યું કારણ

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, રાઘવ ચઢ્ઢા સામે પાર્ટી પ્રત્યેની ઉદાસીનતા અને પાર્ટીની પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી પાર્ટીના મહત્વના મુદ્દાઓ પર મૌન સેવી રહ્યા હતા.તાજેતરમાં જ્યારે દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને રાહત મળી હતી.ત્યારે તેઓ ન તો કેજરીવાલને મળવા આવ્યા હતા કે ન તો તેમણે સોશિયલ મીડિયા પર આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી હતી. તેમના આ મૌનને પાર્ટીથી અંતર માનવામાં આવ્યું અને તેમને જવાબદારીભર્યા પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

અશોક કુમાર મિત્તલને જ કેમ જવાબદારી સોંપાઈ?

અશોક કુમાર મિત્તલ પંજાબના રાજ્યસભા સાંસદ છે. જેમને વર્ષ 2022માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. અશોક મિત્તલ કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે ઊંડો રસ ધરાવે છે અને સંસદના સત્રોમાં આ વિષયો પર ખુલીને બોલે છે. તેઓ અત્યંત પ્રખર અને મજબૂત રીતે પોતાની વાત રજૂ કરે છે. સ્વભાવે શાંત હોવા છતાં, તેઓ દલીલો સાથે પોતાની વાત એવી રીતે રજૂ કરે છે કે, સાંભળનાર પ્રભાવિત થયા વગર રહી શકતા નથી. તેઓ પાર્ટીના વરિષ્ઠ અને અનુભવી નેતાઓમાંના એક હોવાથી તેમને રાજ્યસભામાં આ મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે.

રાઘવ ચઢ્ઢા લોકોના મુદ્દા ઉઠાવતા હતા, પણ પાર્ટીથી દૂર હતા

નોંધનીય છે કે, રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને સંસદમાં ઘણા સક્રિય હતા. તેમણે એરપોર્ટ પર 10 રૂપિયાની ચાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ડિલિવરી બોયઝનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો.જેના કારણે ઝોમેટો-સ્વિગી જેવી કંપનીઓએ મોટા નિર્ણયો લેવા પડ્યા હતા. હજુ બે દિવસ પહેલા જ રાઘવે ગૃહમાં ‘પેટર્નિટી લીવ’ (પિતૃત્વ રજા) ની માંગ કરી હતી અને તેને દેશમાં કાયદાકીય માન્યતા આપવા અપીલ કરી હતી. તેમણે દેશના કરોડો પિતાઓનો અવાજ બનીને તેમના અધિકારની માંગણી કરી હતી. પરંતુ આ બધું કરવા છતાં તેઓ પોતાની જ પાર્ટીની આંતરિક ગતિવિધિઓથી અલિપ્ત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE