સોનમ કપૂર અને આનંદ આહુજાના પરિવારમાં નાનકડા મહેમાનનું આગમન થયું છે. અભિનેત્રીએ 29 માર્ચ 2026 ના રોજ બીજા સંતાન તરીકે પુત્રનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ દંપતીને પહેલેથી જ એક પુત્ર ‘વાયુ’ છે. સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર વહેંચી છે અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે.
સોનમ અને આનંદે શેર કરી સંયુક્ત પોસ્ટ
સોનમ કપૂર અને આનંદ આહુજાએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટ શેર કરી છે. પુત્રના જન્મના સમાચાર શેર કરતા તેમણે એક લાંબી નોંધ લખી છે. દંપતીએ લખ્યું છે કે,”અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા હૃદય સાથે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે 29 માર્ચ 2026 ના રોજ અમારા ઘરે એક નાનકડા પુત્રનું આગમન થયું છે.”
લખ્યું- ‘વાયુને મળ્યો નાનો ભાઈ’
દંપતીએ આગળ લખ્યું છે કે, “અમારો પરિવાર હવે વધુ મોટો થયો છે. અમારા બીજા પુત્રના જન્મથી અમારા હૃદય પણ ખૂબ જ સુંદર રીતે વિશાળ બની ગયા છે. વાયુ તેના નાના ભાઈનું સ્વાગત કરીને ઘણો ખુશ છે. અમે આ અમૂલ્ય નવા જીવ માટે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ, જેણે અમારા ઘરને ખુશીઓ અને આશીર્વાદથી ભરી દીધું છે. અમે ચાર સભ્યોના પરિવાર તરીકે આ સુંદર નવા અધ્યાયની શરૂઆત કરવા માટે ઈશ્વરના આભારી છીએ. સોનમ, આનંદ અને વાયુ તરફથી આપ સૌને ખૂબ જ પ્રેમ અને આભાર.”
કરીનાથી લઈને દીયા મિર્ઝા સુધીના સેલેબ્સે આપી વધામણી
સોનમ કપૂરના ઘરે નાનકડા મહેમાનના આગમનના સમાચાર સાંભળીને ચાહકો અભિનંદન આપી રહ્યા છે. આ સાથે જ બોલિવૂડ સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે. કરીના કપૂરથી લઈને પરિણીતી ચોપરા અને દીયા મિર્ઝા સહિતના અનેક કલાકારોએ કોમેન્ટ કરીને દંપતીને વધામણી આપી છે.
Post Views: 0











