ભારતમાં ઈચ્છા મૃત્યુનો પ્રથમ કિસ્સો: 13 વર્ષ કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા

ભારતમાં પેસિવ યુથેનેશિયા (નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ) ની પરવાનગી મેળવનાર પ્રથમ વ્યક્તિ હરીશ રાણાનું 13 વર્ષથી વધુ સમય સુધી કોમામાં રહ્યા બાદ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું.પેસિવ યુથેનેશિયાની પ્રક્રિયા હેઠળ, છેલ્લા કેટલાક દિવસોથી તેમનો ન્યુટ્રિશનલ સપોર્ટ (ખોરાક અને પોષણ) બંધ કરી દેવામાં આવ્યો હતો.ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમને દર્દશામક દવાઓ આપવામાં આવી રહી હતી જેથી તેમની અંતિમ સફર પીડા વગર પૂર્ણ થઈ શકે.

સુપ્રીમ કોર્ટે આપી હતી મંજૂરી

ભારતની સર્વોચ્ચ અદાલતે 11 માર્ચે હરીશ રાણાના કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો હતો. છેલ્લા 13 વર્ષથી પથારીવશ અને અચેતન અવસ્થામાં રહેલા ગાઝિયાબાદના હરીશ રાણા માટે તેમના માતા-પિતાએ ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.જેને કોર્ટે સ્વીકારી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે હરીશને AIIMS ના પેલિએટિવ કેરમાં દાખલ કરવામાં આવે જેથી તબીબી સારવાર પાછી ખેંચી શકાય. ભારતમાં પેસિવ યુથેનેશિયાનો આ પ્રથમ કિસ્સો છે.

14 માર્ચે AIIMS માં દાખલ કરાયા હતા

હરીશ રાણાને 14 માર્ચે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 માર્ચથી તેમનો લિક્વિડ ડાયટ બંધ કરવામાં આવ્યો અને 17 માર્ચથી પાણી આપવાનું પણ બંધ કરી દેવાયું હતું. પરિણામે, છેલ્લા લગભગ 10 દિવસથી તેમને ખોરાક કે પાણી આપવામાં આવ્યું નહોતું.

“અમે આ યુવકને અપાર દુઃખમાં ન રાખી શકીએ” – સુપ્રીમ કોર્ટ

ઈચ્છા મૃત્યુની મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ગરિમાપૂર્ણ રીતે પૂર્ણ થવી જોઈએ. જસ્ટિસ પારદીવાલાએ ટિપ્પણી કરી હતી કે, આ અહેવાલ ખૂબ જ દુઃખદ છે. આ અમારા માટે મુશ્કેલ નિર્ણય છે, પરંતુ અમે આ યુવકને આવી રીતે અપાર વેદનામાં ન રાખી શકીએ. આપણે એવા તબક્કે છીએ જ્યાં આજે આપણે અંતિમ નિર્ણય લેવો જ પડશે.”

કઈ રીતે થઈ હતી આ દુર્ઘટના?

હરીશ રાણા 2013 થી અચેતન અવસ્થામાં હતા. તે સમયે તેઓ ચંદીગઢમાં અભ્યાસ કરતા હતા અને હોસ્ટેલના ચોથા માળેથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.ત્યારથી તેઓ સતત પથારીવશ હતા અને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહેવાને કારણે તેમના શરીરમાં ઊંડા જખમ (બેડ સોર્સ) થઈ ગયા હતા.

માતા-પિતાએ આશા છોડી દીધી હતી

હરીશ 100% વિકલાંગતાનો શિકાર બન્યા હતા અને તેમના સાજા થવાની કોઈ આશા નહોતી. પુત્રની અસહ્ય પીડા જોઈને માતા-પિતાએ જ કોર્ટ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી. કોર્ટના નિર્ણય બાદ ધીમે-ધીમે લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવી અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE