આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ જળ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પાણી માત્ર જીવનનો આધાર જ નથી. પરંતુ તે પૃથ્વીના ભવિષ્યને આકાર પણ આપે છે.પીએમ મોદીએ તમામ લોકોને અપીલ કરી છે કે, પાણીના દરેક ટીપાંની કિંમત સમજવી એ આપણી જવાબદારી છે અને તેને બચાવવું એ દરેક નાગરિકની ફરજ છે. તેમણે ઉમેર્યું કે, આજનો દિવસ એવા લોકોને સલામ કરવાનો અવસર છે જેઓ જળ સંરક્ષણ અને જાગૃતિ માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું:
“વિશ્વ જળ દિવસ પર, ચાલો આપણે પાણીના દરેક ટીપાંની બચત કરવાનો અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાનો સંકલ્પ લઈએ.”
તેમણે જનતાને પાણીનો સુરક્ષિત, જવાબદાર અને ટકાઉ રીતે ઉપયોગ કરવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ તેમના સંદેશમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, આજનો દિવસ એવા લોકોના સન્માનનો પણ અવસર છે જેઓ જળ સંરક્ષણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છે.
વિશ્વ જળ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વ જળ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ટકાઉ વિકાસ લક્ષ્ય-6’ (SDG 6) ને પૂર્ણ કરવાનો છે.જેનું લક્ષ્ય 2030 સુધીમાં તમામ લોકો માટે સુરક્ષિત પાણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનું છે.આ વર્ષના વિશ્વ જળ દિવસ અભિયાનમાં પાણી સાથે જોડાયેલા નિર્ણયોમાં મહિલાઓને સમાન અધિકાર, નેતૃત્વ અને તક આપવાની જોરદાર માંગ કરવામાં આવી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય સમાજમાં જળ સંરક્ષણ અને સમાન ભાગીદારીની સંસ્કૃતિને વેગ આપવાનો છે.
22 માર્ચ: વિશ્વ જળ દિવસનો ઇતિહાસ અને મહત્વ
નોંધનીય છે કે, વિશ્વ જળ દિવસ દર વર્ષે 22 માર્ચ ના રોજ ઉજવવામાં આવે છે…તેનો મુખ્ય હેતુ લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને જળ સંરક્ષણની આદતો કેળવવાનો છે.આજે પણ વિશ્વના અનેક લોકો શુદ્ધ પાણી અને સ્વચ્છતાના અભાવે સંઘર્ષ કરી રહ્યા છે.જ્યારે જળ સંસાધનો સતત ઘટી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1993માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી જેથી:
-
પાણીનો યોગ્ય ઉપયોગ અને સંરક્ષણને વેગ આપી શકાય.
-
લોકો ટકાઉ જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતાનું મહત્વ સમજે.
-
જળ સંકટ અને પાણી સાથે જોડાયેલા પર્યાવરણીય મુદ્દાઓ પર વૈશ્વિક ધ્યાન ખેંચી શકાય.
-
સરકારો અને સમાજ મળીને સૌ માટે સુરક્ષિત પાણી સુનિશ્ચિત કરવાના પગલાં ભરે.
Post Views: 0











