કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એટલે કે સોમવારે રાજ્યસભામાંકેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સામાન્ય વહીવટ) વિધેયક, 2026 રજૂ કરશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય CAPF (Central Armed Police Forces) અધિકારીઓની ભરતી, ડેપ્યુટેશન (પ્રતિનિયુક્તિ) અને બઢતીના નિયમોને વ્યવસ્થિત કરવાનો છે. જેમાં આઈજી (IG) સ્તરની 50 ટકા જગ્યાઓ આઈપીએસ (IPS) અધિકારીઓ દ્વારા ભરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
બિલની મુખ્ય જોગવાઈઓ
આ વિધેયકમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) સ્તરની ઓછામાં ઓછી 67 ટકા જગ્યાઓ IPS દ્વારા ભરવાની દરખાસ્ત છે. જ્યારે સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ (SDG) અને ડાયરેક્ટર જનરલ (DG) ના તમામ પદો માત્ર ડેપ્યુટેશન દ્વારા જ ભરવામાં આવશે.
હાલમાં CRPF, BSF, ITBP અને SSB જેવા દળો પોતપોતાના અલગ-અલગ કાયદાઓ હેઠળ કાર્યરત છે. સરકારનું માનવું છે કે સમાન કાયદાના અભાવે નિયમો વેરવિખેર છે. જેના કારણે સેવા સંબંધિત વિવાદો અને વહીવટી મુશ્કેલીઓ વધી રહી છે. આ નવો કાયદો CAPFમાં ગ્રુપ ‘એ’ જનરલ ડ્યુટી ઓફિસર અને અન્ય અધિકારીઓની ભરતી અને સેવાની શરતોને સમાન રીતે લાગુ કરશે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને સરકારનો પક્ષ
આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે 2025 ના તેના ચુકાદામાં CAPFમાં IPS અધિકારીઓનું ડેપ્યુટેશન ઘટાડવા અને કેડર રિવ્યુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારની પુનઃવિચાર અરજીને પણ કોર્ટે ફગાવી દીધી હતી.
નિવૃત્ત CAPF અધિકારીઓનો વિરોધ: નિવૃત્ત CAPF અધિકારીઓના એક જૂથે તાજેતરમાં ગૃહ સચિવ ગોવિંદ મોહન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી (Contempt Petition) પણ દાખલ કરી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નથી.
બીજી તરફ, સરકારનું કહેવું છે કે, CAPF દેશની આંતરિક સુરક્ષા અને સરહદી સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. IPS અધિકારીઓની તૈનાતીથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન (Coordination) સુનિશ્ચિત થાય છે..
Post Views: 0











