ઇન્દોરમાં ભીષણ અગ્નિકાંડ: EV કાર ચાર્જિંગમાં શોર્ટ સર્કિટથી ફાટી નીકળેલી આગમાં એક જ પરિવારના 8 સભ્યો જીવતા ભૂંજાયા

મધ્યપ્રદેશના ઇન્દોરમાં બંગાળી ચોરાહા પાસે આવેલી એક રહેણાંક સોસાયટીમાં વહેલી સવારે કાળજું કંપાવનારી ઘટના બની છે. ઇલેક્ટ્રિક કાર (EV) ચાર્જિંગ દરમિયાન થયેલા શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળેલી ભીષણ આગમાં પુગલિયા પરિવારના 8 સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં 12 વર્ષની બાળકી, ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત કુલ આઠ લોકો જીવતા ભૂંજાયા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.

ચાર્જિંગ પોઈન્ટમાં બ્લાસ્ટ અને સિલિન્ડર વિસ્ફોટ: ઘટનાની વિગતો મુજબ, પુગલિયા પરિવારના ઘરની બહાર મોડી રાત્રે ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. સવારે અંદાજે 4 વાગ્યે ચાર્જિંગ પોઈન્ટમાં શોર્ટ સર્કિટ થતા કારમાં આગ લાગી હતી. આ આગ જોતજોતામાં ઘરની અંદર પ્રસરી ગઈ હતી, જ્યાં રાખેલા ગેસ સિલિન્ડરો તેની લપેટમાં આવી ગયા હતા. ઘરમાં રાખેલા અંદાજે 15 સિલિન્ડરોમાંથી એક પછી એક 4 સિલિન્ડરોમાં જોરદાર વિસ્ફોટ થતા આખું ઘર ધણધણી ઉઠ્યું હતું અને મકાનનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો.

નિંદ્રામાં જ હોમાયો પરિવાર: સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ અને ધુમાડાના ગોટા એટલા ભયાનક હતા કે અંદર સૂતેલા લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી. જે સમયે આ દુર્ઘટના બની ત્યારે પરિવારના સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. કમનસીબી એ હતી કે ઘરમાં પારિવારિક પ્રસંગ હોવાથી કેટલાક સંબંધીઓ પણ આવ્યા હતા, જેઓ આ કાળમુખી આગનો શિકાર બન્યા છે. સ્થાનિકોએ મદદ માટે પ્રયાસો કર્યા પરંતુ વિકરાળ લપેટો સામે લાચાર જણાયા હતા.

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન: ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, વિસ્તારની સાંકડી ગલીઓ અને ભીષણ આગને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઇન્દોરના કલેક્ટર શિવમ વર્માએ ઘટનાસ્થળે પહોંચી પુષ્ટિ કરી છે કે સ્થિતિને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે અને ફાયર ટીમ ત્રીજા માળે અન્ય કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

તપાસના આદેશ અને શોકનું મોજું: આ ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર ઇન્દોર અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક તપાસમાં EV ચાર્જિંગ અને ગેસ સિલિન્ડરના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું હોવાનું સામે આવ્યું છે. પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE