રાજકારણમાં ક્યારેય ‘પૂર્ણવિરામ’ હોતું નથી: રાજ્યસભાના 37 સાંસદોની વિદાય વેળાએ PM મોદીનું ભાવુક સંબોધન

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે રાજ્યસભાના 37 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય લઈ રહેલા સાંસદો માટે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ગૃહમાં સભ્યોની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે, ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને દરેક સભ્યની પોતાની એક વિશિષ્ટ ભૂમિકા હોય છે. તેમણે રમુજી અંદાજમાં રામદાસ અઠાવલે વિશે કરેલી ટિપ્પણીથી આખા ગૃહમાં હાસ્યના ફુવારા છૂટ્યા હતા.

રાજકારણમાં સેવા અવિરત રહે છે: વડાપ્રધાને પોતાના ભાષણમાં ભાર પૂર્વક જણાવ્યું હતું કે, આવા ક્ષણોમાં પક્ષીય સીમાઓથી ઉપર ઉઠીને પરસ્પર સન્માનની ભાવના જન્મે છે. કાર્યકાળ પૂર્ણ કરીને ગૃહ છોડી રહેલા નેતાઓને સંબોધતા તેમણે કહ્યું કે, “રાજકારણમાં ક્યારેય કોઈ પૂર્ણવિરામ હોતું નથી.” તેમણે પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા, મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવાર જેવા વરિષ્ઠ નેતાઓના ઉદાહરણ આપીને જણાવ્યું કે નવનિર્વાચિત સાંસદોએ આ અનુભવી નેતાઓ પાસેથી ઘણું શીખવું જોઈએ.

ખડગેનો વળતો જવાબ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ આ તકે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકો રાજકારણ અને જાહેર જીવનમાં છે, તેઓ દેશસેવાના જુસ્સાને કારણે ક્યારેય થાકતા નથી કે નિવૃત્ત થતા નથી. ખડગેએ હળવા અંદાજમાં કહ્યું કે, “આ ઉંમરે અમને એવું પ્રમાણપત્ર ન આપો કે અમે અર્થહીન બોલીએ છીએ.” તેમણે સંસદીય નિયમો પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

અઠાવલેની રમૂજ અને ગૃહમાં હાસ્ય: વડાપ્રધાને હાસ્ય અને વ્યંગ્યના મહત્વ વિશે વાત કરતા રામદાસ અઠાવલેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, “આજકાલ ગૃહમાં હાસ્ય અને કટાક્ષની તકો ઓછી થઈ રહી છે.પરંતુ આપણા અઠાવલેજી સદાબહાર છે. તેઓ આપણને છોડીને જઈ રહ્યા છે, પરંતુ અહીં કોઈને તેમની ખોટ સાલશે નહીં, કારણ કે મને વિશ્વાસ છે કે તેઓ બહાર રહીને પણ ભરપૂર માત્રામાં હાસ્ય પીરસતા રહેશે.”

એપ્રિલથી જૂન વચ્ચે અનેક સભ્યો નિવૃત્ત થશે: ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી ચેરમેન હરિવંશ, પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડા અને વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત કુલ 59 સભ્યોનો કાર્યકાળ એપ્રિલથી જૂન દરમિયાન પૂરો થઈ રહ્યો છે. તેમાંથી 37 સભ્યોનો કાર્યકાળ આજે એટલે કે 18 માર્ચે સમાપ્ત થયો છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, આ તમામ અનુભવી નેતાઓ ભવિષ્યમાં પણ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE