અભિજીત દીપકનો દાવો – પ્રથમ માંગ સ્વીકારાઈ, હવે બાકી મુદ્દાઓ પર સરકારના નિર્ણયની રાહ
નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કોકરોચ જનતા પાર્ટીએ તેને વિદ્યાર્થી આંદોલનની મોટી જીત ગણાવી છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું કે આ નિર્ણય હજારો વિદ્યાર્થીઓ અને યુવાનોના સતત સંઘર્ષનું પરિણામ છે.
અભિજીત દીપકે જણાવ્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું તેમની મુખ્ય માંગણીઓમાંથી એક હતી, પરંતુ સમગ્ર મુદ્દાનો અંત હજુ આવ્યો નથી. તેમણે કહ્યું કે પીડિત પરિવારોને ન્યાય, આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોની સમીક્ષા અને જવાબદારો સામે કાર્યવાહી સહિતની અન્ય માંગણીઓ હજુ યથાવત છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે બાકી રહેલા મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન પૂર્ણ માનવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આંદોલનની આગળની રણનીતિ જાહેર કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું.
બીજી તરફ, ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામા સાથે જાહેર કરેલા નિવેદનમાં વિદ્યાર્થીઓના હિતોને પ્રાથમિકતા આપવાની વાત કરતાં જણાવ્યું કે શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે માટે તેમણે આ નિર્ણય લીધો છે.
શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ હવે સરકાર બાકી રહેલી માંગણીઓ પર શું નિર્ણય લે છે અને સમગ્ર મામલામાં આગળ શું વલણ અપનાવે છે તેના પર દેશભરમાં રાજકીય અને શૈક્ષણિક વર્તુળોની નજર મંડાઈ છે.











