દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી; હથિયાર સપ્લાય નેટવર્કની કડીઓ સુધી પહોંચવા તપાસ તેજ
રાજકોટ: રાજકોટ શહેર પોલીસે ગેરકાયદેસર હથિયારોના કાળા કારોબાર સામે શરૂ કરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની સતત કાર્યવાહીમાં માત્ર 12 દિવસમાં 42 ગેરકાયદેસર હથિયારો તથા અનેક જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન વધુ એક સફળ ઓપરેશનમાં ઘાંચીવાડના કુખ્યાત શખ્સ **અરબાઝ અલ્તાફ દોઢીયા (ઉ.વ. 28)**ને દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘાંચીવાડ વિસ્તારમાં નદી કાંઠે આવેલા ઘોડાના તબેલા નજીક વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી. ડોડીયા અને તેમની ટીમે સમગ્ર કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી.
ઝડપાયેલા આરોપી સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ઓડિયો ગેંગ સાથેની જૂની દુશ્મનાવટને કારણે સ્વબચાવ માટે હથિયાર રાખ્યાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પોલીસ હવે અરબાઝે હથિયાર કોની પાસેથી મેળવ્યું, તેની પાછળ કાર્યરત સપ્લાય ચેઇન શું છે અને અન્ય કેટલા શખ્સો આ નેટવર્કમાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. આ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ અરબાઝ દોઢીયા સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાથી તેની ગુનાહિત કડીઓની પણ સઘન તપાસ ચાલી રહી છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશના કારણે ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક પર મોટો પ્રહાર થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ તથા ખુલાસાઓની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.










