અમદાવાદ સહિત અનેક શહેરોમાં હજુ વરસાદની અસર યથાવત: જળબંબાકાર વચ્ચે જનજીવન ધીમે ધીમે થઈ રહ્યું છે પૂર્વવત્

રાજ્યમાં વરસાદી દુર્ઘટનાઓમાં 31ના મોત; 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, હજારોનું રેસ્ક્યૂ, નુકસાનનો સર્વે શરૂ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે, છતાં અમદાવાદ સહિતના અનેક શહેરોમાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 31 લોકોના મોત નોંધાયા છે, જ્યારે હજારો પરિવારોને માલ-મિલ્કતનું મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.

અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત અને ખેડા સહિતના જિલ્લાઓમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદથી રહેણાંક વિસ્તારો, માર્ગો અને જાહેર સુવિધાઓ ભારે પ્રભાવિત થઈ હતી. રાજ્યભરમાં 31 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા, જ્યારે 3,500થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ રેલ અને માર્ગ પરિવહન પણ ખોરવાઈ ગયું હતું.

અમદાવાદમાં વરસાદનું જોર ઘટ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી હજુ ઓસર્યા નથી. બોપલ અને ધુમા વિસ્તારમાં અનેક રહેણાંક સોસાયટીઓ હજુ પાણીથી ઘેરાયેલી છે, જ્યારે ગુરુકુલ રોડ પર આવેલા શોપિંગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં હજુ પણ અંદાજે 11 ફૂટ પાણી ભરાયેલા હોવાથી વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. શહેરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો અને અનેક ખુલ્લી જગ્યાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે.

સાબરમતી વિસ્તારના છારાનગર અને રબારીવાસમાંથી 11 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે અનેક વાહનો, મકાનો અને દુકાનોને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો સર્વે શરૂ કરી રાહત અને સહાયની કામગીરીને વેગ આપ્યો છે.

આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલએ નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી. સ્થળાંતરિત પરિવારોને ભોજન, આરોગ્ય સેવા, કેશ ડોલ્સ અને અન્ય જરૂરી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

બીજી તરફ રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યના 169 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં પરિસ્થિતિમાં રાહત જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE