ગુજરાતમાં મેઘતાંડવ યથાવત: આજે 3 જિલ્લામાં રેડ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

IMDની મોટી આગાહી; મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા, 29 જુલાઈથી વરસાદનું જોર ઘટશે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે રાજ્યના 3 જિલ્લામાં રેડ અને 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય હવામાન પ્રણાલીઓના કારણે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, દમણ અને દાદરા-નગર હવેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અમલમાં છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.

26 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે 27 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 28 જુલાઈએ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 29 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે, જોકે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા રહેશે.

વહીવટી તંત્રે નાગરિકોને નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE