વર્ષ 2017 માં ‘પદ્માવત’ (તત્કાલીન પદ્માવતી) ફિલ્મ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત ખેંચવાની રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો અને આગેવાનોની લાંબા સમયની મહેનત અને રજૂઆતો બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.જેને પગલે સમગ્ર સમાજમાં આનંદની લહેર જોવા મળી રહી છે.
આગેવાનોની જહેમત રંગ લાવી..
ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ આ મુદ્દે વિગતવાર રજૂઆત કરી હતી.જેમાં શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા અને રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા સહિતના આગેવાનો જોડાયા હતા.
વિજાપુર અને મહેસાણાના કેસો પરત ખેંચાયા
તાજેતરમાં સરકાર દ્વારા મહેસાણા અને વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના કેસો પરત ખેંચવાની અરજી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.જેને કોર્ટે માન્ય રાખી છે.આ કાયદાકીય પ્રક્રિયામાં એડવોકેટ મહેન્દ્રસિંહ જાડેજા (અમદાવાદ) અને એડવોકેટ જયદેવસિંહ ચાવડા (મહેસાણા) એ નિઃશુલ્ક સેવા આપી મહત્વની ભૂમિકા ભજવી હતી.
આંદોલનનું પાછળનું કારણ
વર્ષ 2017 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ક્ષત્રિય સંસ્કૃતિ અને ઈતિહાસનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો.આગેવાનોના જણાવ્યા મુજબ:
આ આંદોલન કોઈ સરકાર સામે નહીં, પરંતુ ઇતિહાસ સાથે છેડા કરનાર ફિલ્મમેકર સામે હતું.
આવેશમાં આવીને યુવાનોએ વિરોધ કર્યો હતો.જેના કારણે તેમના પર કેસો થયા હતા.
સરકારના આ નિર્ણયથી અનેક યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે.
રાજ્ય સરકારનો જાહેર આભાર
ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોએ આ સંવેદનશીલ નિર્ણય બદલ રાજ્ય સરકારના મંત્રીમંડળનો આભાર માન્યો છે:
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (માન. મુખ્યમંત્રી)
શ્રી હર્ષભાઈ સંઘવી (માન. ગૃહ રાજ્ય મંત્રી)
શ્રી ઋષિકેશભાઈ પટેલ (માન. ઉર્જા અને કાયદા મંત્રી)
શ્રી પ્રદીપસિંહજી જાડેજા (તત્કાલીન ગૃહ અને કાયદા મંત્રી)
આગેવાનોનો સંદેશ
શ્રી જયરાજસિંહ પરમાર અને અન્ય અગ્રણીઓએ જણાવ્યું કે, “આ નિર્ણય ક્ષત્રિય સમાજની એકતા અને સત્યની જીત છે. અમે સરકારના ઋણી છીએ કે તેમણે સમાજની લાગણી સમજીને યુવાનો પરના કેસો પરત ખેંચ્યા છે.” આ પ્રક્રિયામાં સહયોગ આપનાર ધારાસભ્ય સી.જે. ચાવડા, પૂર્વ મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ અન્ય તમામ હોદ્દેદારોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.











