સોનામાં 18 વર્ષનો સૌથી મોટો માસિક કડાકો, ટોચના ભાવથી રૂ.50 હજારથી વધુનો ઘટાડો

રાજકોટ/નવી દિલ્હી: સોના-ચાંદીના બજારમાં સતત નરમાઈ વચ્ચે સોનાના ભાવમાં ઓક્ટોબર-2008 બાદનો સૌથી મોટો માસિક ઘટાડો નોંધાયો છે. ચાલુ મહિનામાં સોનું તેના સર્વોચ્ચ સ્તરથી અંદાજે 26 ટકા એટલે કે રૂ.50,600 જેટલું તૂટતાં રોકાણકારોમાં ચિંતા સાથે ખરીદીની તક અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

આજે સોનાના ભાવમાં વધુ રૂ.1,150નો ઘટાડો નોંધાયો હતો. રાજકોટમાં 10 ગ્રામ હાજર સોનાનો ભાવ રૂ.1,45,800 રહ્યો હતો, જ્યારે કોમોડિટી માર્કેટમાં ભાવ રૂ.1,42,325 નોંધાયો હતો. હાજર ચાંદી રૂ.2,31,100 અને વાયદા બજારમાં રૂ.2,23,150ના સ્તરે રહી હતી.

આ વર્ષની શરૂઆતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,92,991ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ સતત વેચવાલીના દબાણને કારણે ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા, મજબૂત ડોલર અને વૈશ્વિક રોકાણકારોની બદલાતી રણનીતિ સોનાના ભાવ પર દબાણ ઊભું કરી રહી છે. વ્યાજદર વધતાં બોન્ડ અને અન્ય વ્યાજ આપતા રોકાણો વધુ આકર્ષક બનતા સોનાની માંગ ઘટી રહી છે.

ઓગમોન્ટના રિસર્ચ હેડ ડૉ. રેનિશા ચૈનાનીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2026ના સર્વોચ્ચ સ્તરથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આશરે 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. હવે અમેરિકાના રોજગાર અને મેન્યુફેક્ચરિંગ સંબંધિત આર્થિક આંકડાઓ સોનાના ભાવની આગામી દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે હાલનો ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે તક બની શકે છે. જોકે, એકસાથે મોટી ખરીદી કરવાને બદલે SIP, ગોલ્ડ ETF અથવા ડિજિટલ ગોલ્ડ જેવા વિકલ્પો દ્વારા તબક્કાવાર રોકાણ કરવું વધુ સુરક્ષિત અને વ્યવહારુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE