પશ્ચિમ બંગાળ: હલ્દિયા રિફાઈનરીમાં આજે વહેલી સવારે નેપ્થા પાઈપલાઈનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનામાં 15 કર્મચારીઓ દાઝ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર સવારે અંદાજે 4થી 4:30 વાગ્યાની વચ્ચે નેપ્થા ગેસ વહન કરતી પાઈપલાઈનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ રિફાઈનરીનું સુરક્ષા તંત્ર, સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન દાઝેલા કર્મચારીઓને બહાર કાઢીને નજીકની સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ટેક્નિકલ ટીમો પાઈપલાઈન તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહી છે.










