સોના-ચાંદીમાં ફરી મોટો ઘટાડો: સોનું રૂ.1,050 અને ચાંદી રૂ.2,500 તૂટી

સોના-ચાંદીના ભાવમાં બે દિવસની તેજી બાદ ફરી મંદીનો માહોલ જોવા મળ્યો છે. આજે સોનાના ભાવમાં રૂ.1,050 અને ચાંદીમાં રૂ.2,500નો મોટો ઘટાડો નોંધાતા વેપારીઓ અને રોકાણકારોમાં નવી ચિંતા ફેલાઈ છે.

રાજકોટ બજારમાં આજે 10 ગ્રામ હાજર સોનાનો ભાવ રૂ.1,050 ઘટીને રૂ.1,46,950 રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ રૂ.2,500ના ઘટાડા સાથે રૂ.2,28,500 પ્રતિ કિલો નોંધાયો હતો. રોકડ બજારમાં સોનાનો ભાવ રૂ.1,45,500 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓમાં નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ આશરે 4,065 ડોલર જ્યારે ચાંદીનો ભાવ 58.40 ડોલર પ્રતિ ઔંસ નોંધાયો હતો.

વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવ સતત દબાણ હેઠળ રહ્યા છે. ગત સપ્તાહે ભાવમાં થોડો સુધારો જોવા મળતાં તેજીની આશા જાગી હતી, પરંતુ ફરી એકવાર બજારમાં મંદીનું વલણ જોવા મળ્યું છે.

તેમના જણાવ્યા મુજબ, ડોલરની મજબૂતી, ચીનની ખરીદીમાં બદલાવ અને વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતાની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી રહી છે. ઉપરાંત દેશમાં હાલ લગ્નસરા અને તહેવારોની સિઝન ન હોવાથી સ્થાનિક માંગ પણ નબળી રહી છે.

વેપારીઓનું માનવું છે કે ભારતીય રૂપિયો છેલ્લા કેટલાક દિવસોથી મજબૂત બનતાં આયાત સસ્તી થઈ રહી છે, જેના કારણે પણ સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE