ધોરણ 9-10ના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર: રાજ્ય સરકાર 9 વિષયો તબક્કાવાર નાબૂદ કરશે

ગાંધીનગર: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના અમલીકરણના ભાગરૂપે ગુજરાત સરકારે ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. સરકારના નિર્ણય મુજબ કુલ 9 વિષયો તબક્કાવાર અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવશે. આ અંગે સત્તાવાર આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અનુસાર શૈક્ષણિક વર્ષ 2027-28થી ધોરણ 9 અને 2028-29થી ધોરણ 10માં આ ફેરફારો અમલમાં આવશે. ત્યારબાદ આ વિષયો એસએસસી બોર્ડની પરીક્ષાનો ભાગ રહેશે નહીં. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી માધ્યમિક શાળાઓમાં આ નિર્ણયનો અમલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

નાબૂદ થનારા વિષયોમાં કોમર્સ પ્રવાહના એલિમેન્ટ્સ ઓફ કોમર્સ, કોમર્શિયલ કરસ્પોન્ડન્સ એન્ડ સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને ઇન્ટ્રોડક્શન ટુ કોમર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત ટેકનિકલ શિક્ષણ હેઠળના એલિમેન્ટ્સ ઓફ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર-એઇડેડ એન્જિનિયરિંગ ડ્રોઇંગ તેમજ બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ પ્રોસેસ, મેઇન્ટેનન્સ એન્ડ સેફ્ટી વિષયો પણ દૂર કરવામાં આવશે.

આ ઉપરાંત હોમ સાયન્સ, ડેરી વિજ્ઞાન અને પશુપાલન તેમજ સીવણ અને ભરતકામ જેવા વિષયોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં સીવણ અને ભરતકામ વિષય રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે, જ્યારે હોમ સાયન્સ અને ડેરી વિજ્ઞાન અને પશુપાલન જેવા વિષયો ગ્રામ્ય અને કૌશલ્ય આધારિત શિક્ષણ આપતી બુનિયાદી શાળાઓમાં યથાવત ચાલુ રહેશે.

સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરના અભ્યાસના ભારને ઘટાડવાનો અને નવી શિક્ષણ નીતિ મુજબ વધુ વ્યવહારુ તથા કૌશલ્યલક્ષી શિક્ષણ વ્યવસ્થા વિકસાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE