વેરાવળ: વેરાવળ ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી દેશભક્તિસભર માહોલમાં યોજાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ શ્રી નરેશભાઈ ગોહેલ, કારોબારી ચેરમેન શ્રી ઉદયભાઈ શાહ, જાણીતા ઉદ્યોગપતિ શ્રી લખમભાઈ ભેસલા તેમજ વેરાવળ વેપારી મહામંડળના શ્રી મુકેશભાઈ ચોલેરા, શ્રી અનીશ રાછ અને શ્રી કેવિન કાનાબાર સહિત અગ્રણીઓ, પત્રકારો, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોયઝ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ખાંભલા સાહેબના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સાહસિક ‘પિરામિડ’ કાર્યક્રમ રજૂ કર્યો હતો, જે ઉપસ્થિત સૌ માટે મુખ્ય આકર્ષણ બન્યો હતો.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વેરાવળ વેપારી મહામંડળ તથા ઉદ્યોગપતિ શ્રી લખમભાઈ ભેસલા તરફથી પ્રતિભાશાળી વ્યક્તિઓને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની લાગણી જોવા મળી હતી. ‘દેશ પ્રથમ’ની ભાવના સાથે વેરાવળમાં યોજાયેલી જિલ્લા કક્ષાની આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.











