રાજકોટમાં બજરંગ દળનો ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ સંપન્ન

અનેક યુવાનોએ ધર્મરક્ષા, સંસ્કૃતિ સંવર્ધન અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણના શપથ લીધા

રાજકોટ: અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટ ખાતે બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો અને ધર્મપ્રેમી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ધાર્મિક તથા રાષ્ટ્રભક્તિના ઉદ્ઘોષોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના હસુભાઈ ચંદારાણા, નાનજીભાઈ શાખ, અશ્વિનભાઈ ગોસાઈ, કૌશિકભાઈ સરધારા, પરેશભાઈ રૂપારેલીયા સહિતના આગેવાનો તથા રાજકોટના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ મહાનગરના અધિકારી અશોકભાઈ મકવાણાએ સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. બજરંગ દળના રાજકોટ વિભાગના સંયોજક હિરેનભાઈ ડાભી તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક અમિતભાઈ જાદવાણી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત હનુમાન મઢી મંદિરના પૂજ્ય કશ્યપ મહારાજના આગમન અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. આશીર્વચનમાં તેમણે યુવાનોને પોતાની આંતરિક શક્તિને જાગૃત કરી ધર્મરક્ષા અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાવા આહવાન કર્યું હતું. તેમણે યુવાનોને નશાથી દૂર રહેવા, હિન્દુ ધર્મની પરંપરાઓનું પાલન કરવા, સંસ્કૃતિનું જતન કરવા તથા વડીલોનું સન્માન કરવા પર ભાર મૂક્યો હતો.

બજરંગ દળના રાજકોટ વિભાગના સંયોજક હિરેનભાઈ ડાભીએ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે જાગૃત રહેવા તેમજ સમાજમાં સદભાવ અને એકતા જાળવી રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

જામનગરથી આવેલા મુખ્ય વક્તા અમિતભાઈ જાદવાણીએ અખંડ ભારત સંકલ્પ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ત્રિશૂળના મહત્ત્વ અને તેની મર્યાદા અંગે માર્ગદર્શન આપતાં યુવાનોને હનુમાનજી મહારાજને આદર્શ માની તેમના શૌર્ય, સેવા અને સંયમ જેવા ગુણોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું.

ત્યારબાદ રાજકોટ બજરંગ દળના જિલ્લા સંયોજક સંજય રાજ સોલંકીએ યુવાનોને શપથ લેવડાવ્યા હતા. ભારત માતા, સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજ, ગૌમાતા, સંત-મહાત્માઓ, મઠ-મંદિર તથા ધર્મગ્રંથોની રક્ષા સાથે સમરસ અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ દરમિયાન “જય શ્રી રામ” અને “ભારત માતા કી જય”ના નારાથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો.

કાર્યક્રમની સફળતા માટે હર્ષ મુથરેજા, જીતુભાઈ કેસુર, ગુરુભાઈ રાવલ, રાજુભાઈ રાજપુત સહિત અનેક કાર્યકર્તાઓએ યોગદાન આપ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમ યુવા શક્તિને સંગઠિત કરી ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવતો પ્રેરણાદાયી પ્રસંગ બન્યો હતો. અંતે વંદે માતરમના ગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE