ગાંધીધામ: ગાંધીધામ નજીક આવેલા શિણાઈ તળાવમાં ન્હાવા અને ફોટોશૂટ કરવા ગયેલા ચાર મિત્રોમાંથી એક 22 વર્ષીય યુવક પાણીમાં ડૂબી જતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
મળતી માહિતી મુજબ, શંકર પરમાર નામનો યુવક પોતાના મિત્રો સાથે તળાવમાં ઉતર્યો હતો. આ દરમિયાન તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયો હતો. મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 ઇમરજન્સી સેવા અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. યુવકની શોધખોળ માટે તળાવમાં સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, જ્યારે બચાવ ટીમો યુવકને શોધવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
તંત્ર દ્વારા તળાવો અને જળાશયોમાં ન્હાવા જતાં લોકો સાવચેતી રાખે અને જોખમી વિસ્તારોમાં ન ઉતરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.











