રાજકોટ: શાપર-વેરાવળમાં થયેલી રૂ. 2.47 કરોડની સનસનાટીભરી લૂંટનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. આ કેસમાં મધ્યપ્રદેશની ગેંગ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે લૂંટમાં વપરાયેલા વાહન અને હથિયારો સહિતનો મહત્વનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 43 લાખની રોકડ, દાગીના, રાઇફલ સહિતના હથિયારો તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો કાર જપ્ત કરી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન અનેક મહત્વના પુરાવા પણ હાથ લાગ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ અંધારી લૂંટનો ભેદ ઉકેલવા માટે પોલીસની 20 વિશેષ ટીમોને કામે લગાડવામાં આવી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ, મોબાઇલ લોકેશન, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવસૂત્રોના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ પાસેથી લૂંટ અંગે અનેક મહત્વપૂર્ણ વિગતો મળી રહી છે. પોલીસ હવે ગેંગના અન્ય સભ્યોની સંડોવણી અને લૂંટની સમગ્ર કાવતરાની તપાસમાં પણ લાગી ગઈ છે.
રાજકોટ પોલીસની આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેસમાં વધુ ધરપકડ અને મુદ્દામાલની વસૂલાત માટે તપાસ હજુ પણ ચાલુ છે.











