“દીવા તળે અંધારું” જેવો ઘાટ ભાયાવદર નગરપાલિકામાં જોવા મળી રહ્યો છે.નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના પોતાના જ વોર્ડમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.વોર્ડ નં.5 ના આંબેડકર નગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર માટે લાવવામાં આવેલા સિમેન્ટના નવા જ ભૂંગળા તૂટેલા અને અત્યંત હલકી ગુણવત્તાના મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ જ્યારે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ભૂંગળા ઉતારવામાં આવ્યા ત્યારે વોર્ડ નં. 5 ના ચૂંટાયેલા સભ્ય અને બાંધકામ ચેરમેન સરજુ માકડીયા પોતે ત્યાં હાજર હતા.તેઓ વિઝિટના નામે ‘ફોટોસેશન’ કરવામાં વ્યસ્ત હતા. પરંતુ તેમની નજર સામે જ પડેલા તિરાડો વાળા અને સળિયા દેખાઈ ગયેલા ભૂંગળા તેમને કેમ ન દેખાયા? તેવો વેધક સવાલ જનતા પૂછી રહી છે.
ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા: કામ શરૂ થાય તે પહેલા જ પોલ ખુલી
આંબેડકર નગર વિસ્તારમાં નવા પ્લોટિંગમાં દલિત સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે.તેમને સુવિધા આપવાના નામે નગરપાલિકાએ કામ તો શરૂ કર્યું,પણ જાણે ‘પહેલા કોળિયે જ માખી’ આવી હોય તેમ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગત સામે આવી છે.
ગાંધીનગરથી તપાસ થાય તેવી માંગ
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે,લોકોના ટેક્સના પૈસાનો અહીં વેડફાટ થઈ રહ્યો છે.જો આ તૂટેલા ભૂંગળા જ જમીનમાં દાટી દેવામાં આવશે, તો ગણતરીના દિવસોમાં જ ગટર લાઈન બેસી જશે અને લોકોની હાલાકી વધશે.આ મામલે જો ગાંધીનગર સ્તરેથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ‘કટકીબાજો’ની આખી માયાજાળ ખુલ્લી પડી શકે તેમ છે.
રિપોર્ટર: વિજયભાઈ કુનિતયા, ભાયાવદર
Post Views: 139















