કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે AMCનું મેગા ડિમોલિશન ઓપરેશન

અમદાવાદ: 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલિમ્પિક જેવા આંતરરાષ્ટ્રીય રમતોત્સવોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. તેના ભાગરૂપે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે સવારથી મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં 50થી વધુ કોમર્શિયલ મિલકતોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના માર્ગને હાલના 18 મીટરમાંથી વધારીને 61 મીટર પહોળો બનાવવાની યોજના અમલમાં મૂકાઈ રહી છે. માર્ગ વિસ્તરણ માટે રોડ લાઇનમાં આવતી મિલકતોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે જેસીબી મશીનો સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી.

સમગ્ર કામગીરી દરમિયાન સાબરમતી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ડી-માર્ટ સામેના વિસ્તારથી જનપથ ત્રણ રસ્તા સુધીના માર્ગમાં આવતી 50થી વધુ વ્યાવસાયિક મિલકતો દૂર કરવામાં આવી રહી છે.

કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ માત્ર કોમર્શિયલ મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડી-માર્ટ બાદ આવેલા કેટલાક કોમર્શિયલ અને રહેણાંક બાંધકામો અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી તે વિસ્તારોમાં હાલ ડિમોલિશન હાથ ધરવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2025માં પણ આ જ માર્ગ વિસ્તરણ યોજનાના ભાગરૂપે મોટેરા વિસ્તારના બળદેવનગરમાં આવેલી 22 મિલકતો દૂર કરવામાં આવી હતી. આગામી વર્ષોમાં આંતરરાષ્ટ્રીય રમતોત્સવો માટે અમદાવાદને વિશ્વસ્તરીય રમતગમત અને ટ્રાફિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવવા માર્ગ વિસ્તરણ સહિતના અનેક વિકાસકાર્યો તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE