ખેડૂતોના ડેટાને મળશે અભેદ્ય સુરક્ષા: ગુજરાત સરકારે ‘વિભાગીય ડેટા સમિતિ’ની કરી રચના

ગાંધીનગર: ખેડૂતોની વ્યક્તિગત અને કૃષિ સંબંધિત માહિતીની સુરક્ષા વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે **‘વિભાગીય ડેટા સમિતિ’ (Departmental Data Committee-DDC)**ની રચના કરીને ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમની જોગવાઈઓને અનુરૂપ હવે ખેડૂતોનો વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત તમામ ડેટા કડક સુરક્ષા હેઠળ રહેશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખેડૂતોની સંમતિ વિના તેમના ડેટાનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને તમામ માહિતીનું સંચાલન નિર્ધારિત નિયમો મુજબ જ થશે.

નવી સમિતિ કૃષિ વિભાગ, તેના તમામ બોર્ડ-નિગમો અને કૃષિ યુનિવર્સિટીઓમાં રહેલા ડેટાના સુરક્ષિત, પારદર્શક અને વૈજ્ઞાનિક સંચાલનની જવાબદારી સંભાળશે. ડિજિટલ યુગમાં ખેડૂતોનો ડેટા પણ એક મૂલ્યવાન સંપત્તિ ગણાતો હોવાથી તેની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સમિતિનું નેતૃત્વ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ કરશે. તેમાં વિભાગીય ડેટા અધિકારી, મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી, આઈટી નિષ્ણાતો, કાયદાકીય અધિકારીઓ તેમજ વિભાગ હેઠળના બોર્ડ-નિગમો, કૃષિ યુનિવર્સિટીઓ અને સંબંધિત કચેરીઓના વડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વ્યવસ્થા હેઠળ કૃષિ વિભાગના તમામ ડેટાસેટને ઓપન, શેરેબલ, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટ એમ પાંચ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે. હવામાન, આધુનિક ખેતી પદ્ધતિઓ અને બજારભાવ જેવી જાહેર ઉપયોગી માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાશે, જ્યારે ખેડૂતોની વ્યક્તિગત વિગતો, બેંકિંગ માહિતી અને અન્ય ખાનગી માહિતી સંપૂર્ણ સુરક્ષા સાથે સંવેદનશીલ શ્રેણીમાં રાખવામાં આવશે.

રાજ્ય સરકારનું માનવું છે કે આ પહેલથી ખેડૂતોના ડેટાની સુરક્ષા વધુ મજબૂત બનશે, સરકારી યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થી સુધી વધુ પારદર્શક રીતે પહોંચશે અને ડેટાના દુરુપયોગ તથા છેતરપિંડીની શક્યતાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE