અમેરિકામાં ફરી વધ્યા કોરોનાના કેસ! શું ભારત પર પણ તોળાઈ રહ્યું છે જોખમ? જાણો કેટલો ખતરનાક છે નવો વેરિઅન્ટ

છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે..જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. અહેવાલો અનુસાર, વાયરસનો એક નવો વેરિઅન્ટ BA.3.2 મળી આવ્યો છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને થાપ આપી દેવાની ક્ષમતા ધરાવે છે. આ સમાચારને પગલે ભારતમાં પણ લોકોમાં ફાળ પડી છે અને સોશિયલ મીડિયા પર આ નવા વેરિઅન્ટને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. શું ખરેખર ભારતમાં પણ ખતરો વધી રહ્યો છે? શું આપણે ગભરાવાની જરૂર છે? ચાલો વિગતવાર જાણીએ.

કોરોનાના વધતા વ્યાપ વચ્ચે ભારત પર કેટલું જોખમ?

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, અત્યારે સ્થિતિ પહેલા જેવી ગંભીર નથી. તેનું મુખ્ય કારણ એ છે કે હવે મોટાભાગના લોકો રસી (Vaccine) લઈ ચૂક્યા છે અથવા પહેલા સંક્રમિત થઈ ચૂક્યા છે.જેના કારણે તેમના શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ (Immunity) વિકસી છે. તેથી, સંક્રમણ વધવા છતાં ગંભીર દર્દીઓની સંખ્યા મર્યાદિત રહેવાની શક્યતા છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકામાં વધી રહેલા કેસોની અસર ભારત પર પણ પડી શકે છે? નિષ્ણાતો માને છે કે, કોરોના વાયરસ હજુ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. પરંતુ તે એક સામાન્ય ચેપની જેમ સમયાંતરે સામે આવતો રહેશે. આને એન્ડેમિક‘ (Endemic) સ્થિતિ કહેવામાં આવે છે. જેમાં કેસો ક્યારેક વધે તો ક્યારેક ઘટે છે. પરંતુ માત્ર નવા વેરિઅન્ટના મળવાનો અર્થ એ નથી કે ફરીથી રોગચાળા જેવી ગંભીર સ્થિતિ સર્જાશે. ભારતમાં અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

કોણે વધુ સાવધ રહેવાની જરૂર છે?

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અમુક લોકોએ વિશેષ તકેદારી રાખવી જોઈએ:

  • વૃદ્ધો અને જેઓ પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડિત છે.

  • સગર્ભા મહિલાઓ.

  • નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ.

  • નાના બાળકો અને અસ્થમા કે ફેફસાંની બીમારી ધરાવતા લોકો.

આ લોકોએ ભીડભાડવાળી જગ્યાઓથી બચવું, સ્વચ્છતા જાળવવી અને લક્ષણો દેખાય તો તરત જ તપાસ કરાવવી જોઈએ. તમારી સમજદારી જ તમને સુરક્ષિત રાખી શકે છે.

બચાવનો શ્રેષ્ઠ ઉપાય

આરોગ્ય નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે ડરવાની જરૂર નથી. પરંતુ બેદરકારી પણ ન રાખવી જોઈએ. આજે આપણી આરોગ્ય પ્રણાલી પહેલા કરતા વધુ મજબૂત છે અને તપાસ, સારવાર તેમજ રસીકરણની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ છે. જો લોકો સમયાંતરે હાથ ધોવા, જરૂર જણાય તો માસ્ક પહેરવો અને બીમાર હોવ ત્યારે આરામ કરવા જેવી નાની-નાની સાવચેતીઓ રાખે, તો મોટા જોખમથી બચી શકાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE