સાબરકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. જિલ્લામાં આશરે 2.25 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે, જેમાં 80 હજાર હેક્ટરમાં મગફળી અને 45 હજાર હેક્ટરમાં કપાસનો પાક છે. મોંઘા બિયારણ-ખાતર પાછળ ખર્ચ કર્યા બાદ હવે વરસાદના અભાવે પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં રોષ છે.
ઓક્ટોબર સુધી જ સિંચાઈનું પાણી
જિલ્લામાં માત્ર ત્રણ ડેમમાંથી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલનો જળજથ્થો ઓક્ટોબર સુધી ચાલે તેટલો જ છે. વરસાદ નહીં પડે તો ત્યારબાદ સિંચાઈ માટે પણ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
કૃષિ વિભાગની એડવાઈઝરી સામે ખેડૂતોમાં રોષ
પાક તૈયાર થવાની સ્થિતિમાં હોવા છતાં કૃષિ વિભાગે ખેડૂતોને હાલ ખેડ ન કરવા અને મલચિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સલાહને લઈને ખેડૂતોમાં નારાજગી છે અને તંત્ર પાસેથી નક્કર મદદની માંગ ઉઠી છે.
રાહત પેકેજની માંગ
વરસાદના અભાવે પાકને નુકસાન અને વધેલા ખેતી ખર્ચ વચ્ચે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. હવે સરકાર તાત્કાલિક સર્વે કરાવી નુકસાનીનું મૂલ્યાંકન કરે અને ખેડૂતો માટે રાહતની જાહેરાત કરે તેવી માંગ ઉઠી રહી છે.
Post Views: 9










