હોકર્સ ઝોન, ઓડિટોરીયમ, ઝોનથી માંડી વોર્ડ ઓફિસોમાં કરાશે ખરાઇ : જરૂર હોય તે જગ્યા માટે સાધનો ખરીદવા તુરંતમાં ટેન્ડર : શહેરમાં 60% મિલ્કતોની ચકાસણી થઇ ગઇ : દેવાંગ દેસાઇ
રાજકોટમાં ફાયર સેફટી અને એનઓસી વગરના બાંધકામો સીલ કરવા ધડાધડ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હવે ખુદ મ્યુનિ. કોર્પોરેશનની મિલ્કતો, શાળા સંકુલોમાં ફાયર સેફટીની ચકાસણી કમિશ્નર દેવાંગ દેસાઇએ શરૂ કરાવી દીધી છે. ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આ જવાબદારી સોંપીને ચીફ ફાયર ઓફિસર મારફત ખરાઇ કરવા જણાવાયું છે. આથી ટુંક સમયમાં આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે અને જયાં જયાં ફાયર સેફટીની જરૂર હોય ત્યાં સાધનો ખરીદીને પણ મૂકવાની કાર્યવાહી થશે તેમ જણાવ્યું છે. કમિશનર દેવાંગ દેસાઇએ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ફાયર સેફટીને પાત્ર મિલ્કતોની ચકાસણીનું કામ 60 થી 70 ટકા જેવું પુરૂ થયું છે. આવતા સપ્તાહે આવી કુલ 1200 થી 1400 જેટલી મિલ્કતોનો સર્વે પુરો થઇ જશે. સરકારે નિયત કરેલી છ કેટેગરીમાં હાલ આ કામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્કમાં કે જયાં લોકોની વધુ ભીડ થતી હોય ત્યાં અગ્રતા આપવામાં આવી રહી છે. આઇટી વિભાગમાંથી ટેકસના આધારે, વોર્ડ ઇન્સ્પેકટર સહિતના વિભાગોમાંથી આ કેટેગરીની મિલ્કતોની યાદી મંગાવવામાં આવી રહી છે. બે દિવસમાં આ રીપોર્ટ પણ આવી જશે. હવે મહાપાલિકાની પોતાની મિલ્કતો ઉપર મનપાનું ધ્યાન છે. કોર્પોરેશનની માલિકીની છસ્સો જેટલી મિલ્કત છે. મુખ્ય ઝોન કચેરીઓ, વોર્ડ ઓફિસ, ઓડિટોરીયમ, દવાખાના, ફરવાના સ્થળો, લાયબ્રેરી, શાક માર્કેટ સહિતના હોકર્સ ઝોન, જુદા જુદા વિભાગની કચેરી, પમ્પીંગ સ્ટેશનોમાં ચકાસણી ઇજનેરોની ટીમે શરૂ કરી દીધી છે. જે નિયમ ખાનગી મિલ્કતને લાગુ પડે છે તે સરકારી મિલ્કતને પડે છે. આ તમામ જગ્યામાં કેટલી જગ્યાએ ફાયર સેફટીની જરૂર છે તેનો રીપોર્ટ બનાવાશે. તેમાં મોટા પ્રમાણમાં સાધનોની ખરીદી પણ જરૂર પડે તેમ હોય, ખરીદીના ટેન્ડર બહાર પાડવામાં આવશે.કોર્પોરેશન ઉપરાંત રાજય અને કેન્દ્ર સરકારની અન્ય કચેરીઓમાં પણ આ જ રીતે ચકાસણી ચાલી રહી છે. કચેરીઓ પોતાની રીતે ચકાસણી કરે છે પરંતુ ફાયરના નિયમો અંગે મનપા તેમને માર્ગદર્શન આપશે. આ અંગે વિભાગો સાથે સંકલનની કામગીરી ચાલી રહી છે. જરૂર હોય તે સરકારી વિભાગોના પણ નોટીસ આપવામાં આવશે હાલ સરકારના માર્ગદર્શન મુજબ આ કડક કાર્યવાહી કરીને રોજેરોજ ગાંધીનગર ખાતે રીપોર્ટ પણ મોકલાઇ રહ્યા છે
ફાયર વિભાગમાં અગાઉ 64 કર્મચારીના સ્ટાફની ભરતી પ્રક્રિયા થતા તે પૈકી 43 કર્મચારી તુરંતમાં ભરવાનું કામ બે દિવસમાં હાથ પર લેવામાં આવશે. 11 કેડરનો મામલો કોર્ટમાં ગયો છે. એનઓસી સહિતની ઝડપી પ્રક્રિયા માટે આ કાર્યવાહી ઝડપથી પૂરી કરાશે તેમ કમિશ્નરે કહ્યું હતું.











