રાજકોટ : બાબા બાગેશ્વરના કાર્યક્રમ સામે વિજ્ઞાન જાથાનો વિરોધ, રાજકોટમાં રેલી-ધરણાની જાહેરાત

બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીના આગામી રાજકોટ કાર્યક્રમને લઈ ભારત જન વિજ્ઞાન જાથાએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે બાબા બાગેશ્વરના “દિવ્ય દરબાર” અને અંધશ્રદ્ધા પ્રેરક કાર્યક્રમો સામે તા. ૪ અને ૫ જૂને રાજકોટમાં રેલી, સૂત્રોચ્ચાર અને ધરણાનું આયોજન કરવામાં આવશે. આ માટે પોલીસ કમિશ્નર કચેરીમાં મંજૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જાથાએ આક્ષેપ કર્યો છે કે બાબા બાગેશ્વર દ્વારા અગાઉ ગુજરાત વિશે “ગુજરાત કે પાગલો” જેવા ઉચ્ચારણો કરવામાં આવ્યા હતા, છતાં શ્રદ્ધાળુઓ, નાગરિકો અને રાજકીય આગેવાનો દ્વારા કોઈ વિરોધ નોંધાયો નહોતો. જાથાનું માનવું છે કે આવા નિવેદનો અને અંધશ્રદ્ધા ફેલાવતા કાર્યક્રમો સમાજમાં ભ્રમ અને અશાંતિ ફેલાવે છે.

જયંત પંડયાએ જણાવ્યું હતું કે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારી “સનાતન હનુમંત કથા” દરમિયાન જો કોઈ અવૈજ્ઞાનિક અથવા અંધશ્રદ્ધા પ્રેરક પ્રવૃત્તિ કરવામાં આવશે તો જાથાના કાર્યકરો સ્થળ પર જ વિરોધ કરશે અને જરૂર પડે તો પોલીસમાં ગુન્હો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરશે. તેમણે મેડિકલ લાયસન્સ વગર જાહેરમાં રોગોના ઉપચારના દાવાઓને કાનૂની ગુન્હો ગણાવ્યો હતો.

જાથાએ બાબા બાગેશ્વરની દિવ્ય શક્તિઓને પડકારતા જાહેર મંચ પર ત્રણ પ્રશ્નોના સચોટ જવાબ માટે રૂપિયા એક કરોડના ઇનામની જાહેરાત પણ કરી છે. પંડયાના જણાવ્યા મુજબ, આજદિન સુધી બાબાએ કોઈ લોકહિત કે માનવકલ્યાણના નોંધપાત્ર કાર્યો કર્યા નથી અને લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાથા કોઈ ધાર્મિક કથાનો વિરોધ કરતું નથી, પરંતુ અંધશ્રદ્ધા, ભ્રમ અને કાયદાના ભંગ સામે અવાજ ઉઠાવે છે. જાથાના સમર્થકો કથાના સ્થળે હાજર રહી અંધશ્રદ્ધા પ્રેરક પ્રવૃત્તિઓ સામે સૂત્રોચ્ચાર કરશે અને કાયદાકીય કાર્યવાહી માટે દબાણ કરશે.

વિજ્ઞાન જાથાએ રાજ્યભરના વિજ્ઞાનપ્રેમી અને જાગૃત નાગરિકોને આંદોલનમાં જોડાવા અપીલ કરી છે. તા. ૪ અને ૫ જૂને સાંજે કિશાનપરા ચોક ખાતે એકત્ર થવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાથાએ જણાવ્યું છે કે તમામ કાર્યક્રમો કાયદાની મર્યાદામાં રહીને જ કરવામાં આવશે અને પોલીસની મંજૂરી બાદ આખરી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

Leave a Comment

READ MORE

READ MORE